સુહાગણ સ્ત્રીઓ પતિનાં દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે. કરવા ચોથ શબ્દનો અર્થ ‘કરવા’ એટલે માટીનું વાસણ અને ‘ચોથ’ એટલે ચતુર્થી છે. આ તહેવારમાં માટીનાં વાસણનો મહિમા ખૂબ છે. બધી સુહાગણ સ્ત્રીઓ આ દિવસની આતુરતાથી રાહ જોતી હોય છે. જેને લઇને મહિલાઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે. પોતાનાં જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.
ભારતભરમાં મહિલાઓ દ્વારા પતિના સુખ માટે આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. પરિણિત સ્ત્રીઓ પોતાના પતિ માટે અને કુંવારી સ્ત્રીઓ સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે આ દિવસે નિર્જળા વ્રત કરે છે, ત્યારબાદ ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ પોતાનું વ્રત ખોલે છે.
આ રીતે થાય છે કરવા ચોથનુ વ્રત
- સવારે વહેલા ઉઠી સ્નાન કરી સંકલ્પ કરીને કરવા ચોથના વ્રતનો પ્રારંભ થાય છે.
- મહિલાઓ સોળ શ્રૃંગાર સજી પતિના લાંબા આયુષ્ય માટે નકોરડો ઉપવાસ કરે છે.
- સ્ત્રીઓ વ્રત દરમિયાન આખો દિવસ માતા પાર્વતી, મહાદેવ શિવ અને ગણેશજીનું મનમાં રટણ કરે છે.
- આખો દિવસ નિર્જળા ઉપવાસ કરી રાત્રે શિવ-પાર્વતી, કાર્તિકેય અને ચંદ્રની પૂજા કરી તથા ચંદ્રનાં દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે.