જસ્ટીસ વી.જે. કાલોતરાની કોર્ટમાં સરકારી સુધીર બ્રહ્મભટ્ટે રજુઆત કરી હતી કે, સંચાલક ઘનશ્યામ પટેલે પાસે કોઈ ડિગ્રી નથી અને SOPના નિયમ વિરૂધ એસેમ્બલ કરીને રાઈડ બનાવવામાં આવી હતી. મેનેજર તુષાર ચોક્સી અને યશ, વિકાસે રાઈડનું સંચાલન કરવા બાબતે કોઈ જ પ્રકારની ટ્રેનિંગ લીધી નથી. આરોપીઓની બેદરકારીને લીધે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. એટલું જ નહિ પરંતુ આરોપી યશ એન્જીનિયરની પોઝિશન પર કાર્યરત હતો અને તેણે એન્જીનિયરિંગની કોઈ ડિગ્રી મેળવી નથી. FSL રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિસ્કવરી રાઈડની પાઈપ પણ કાટ ખાઈ ચુકી હતી જે સપષ્ટતા આપે છે કે તેનું રેગ્યુલર મોનિટરિંગ થતું નથી.
આરોપીઓ સદ્ધર અને શ્રીમંત ઘરથી આવતા હોવાથી જો જામીન આપવામાં આવે તો કેસના સાક્ષીઓ પર અસર થઈ શકે છે. રાઈડમાં 24 જેટલી આઈટમની પોલીસ મંજુરી લેવામાં આવી છે. જ્યારે અન્ય એક આઈટમની પરવાનગી લીધા વગર જાતે ઉમેરી દેવામાં આવી છે.
આ મુદે આરોપીઓના વકીલ વતી એમ.જે પંચાલે રજુઆત કરી હતી કે, આરોપીઓ તદન નિર્દોષ છે. આવી કોઈ દુર્ઘટના સર્જાશે એવી તેઓ જાણતા ન હતા. આરોપીઓએ જાણી જોઈને આવી દુર્ઘટના સર્જાય તેવું કોઈ કાવતરૂ ઘડ્યું નથી. પોલીસ FIRમાં આરોપીઓ વિરૂધ IPCની કલમ 304 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જે ખોટી હોવાની આરોપીઓના વકીલે દલીલ કરી હતી. વકીલ પંચાલ પ્રમાણે આરોપીઓએ જાણી જોઈને આવું કૃત્ય કર્યું નથી જેથી તેમની વિરૂધ IPCની કલમ 304(A) મુજબ ફરિયાદ દાખલ કરવાની જરૂર હતી અને તે એક જામીનપાત્ર ગુનો છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તુટી પડી હતી. જેમાં, આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આશરે 20 ફુટથી વધારે ઉંચાઈથી રાઈડની નીચે પટકાતા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.