આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે તેમને ચાર્જશીટ દાખલ કરાયા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતાં. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતાં.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત્ત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડી હતી. જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી. સાક્ષીઓના જણાવ્યાં પ્રમાણે આશરે 20 ફૂટથી વધારે ઊંચાઈથી રાઈડની નીચે પટકાતાં લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ