કાંકરિયા રાઈડ મામલોઃ આરોપીઓને રિમાન્ડ દરમિયાન જલસા
ગંભીર દુર્ઘટના માટે પાર્કના માલિક, મેનેજર, ઓપરેટર અને હેલ્પર વિરુદ્ધ પોલીસે માત્ર દેખાવો કરવા માટે ગુનો તો નોંધી લીધો છે. પરંતુ શરૂઆતથી પોલીસ દ્વારા આ મામલે ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
ઘટના બાદ પણ પોલીસે ફિટનેસ સર્ટી કોણે આપ્યું તે અંગે જવાબ આપ્યો ન હતો. રાઇડનું સર્ટી પાર્કના માલિકના ભત્રીજાએ આપ્યું હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ આરોપીની પૂછપરછ થાય અને વધુ માહિતી મળે તે માટે કોર્ટે આરોપીઓના રિમાન્ડ આપ્યા હતા.
પોલીસ આરોપીઓની ખાસ પૂછપરછ કરી રહી છે તેનો તાગ મેળવી શકાય તેમ નથી. પરંતુ આરોપીની સેવામાં પોલીસ કોઈ કસર નથી છોડી રહી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આરોપીને પોલીસ સ્ટેશનના પહેલા માળે જ પૂછપરછના બહાને બેસાડવામાં આવ્યા હતા. જ્યા લોકો મુલાકાતના બહાને અવારનવાર મળવા પણ જઈ રહ્યા છે.
હજુ સુધી તંત્ર તરફથી પણ એકબીજા પર જ જવાબદારી નાખવામાં આવી છે. તંત્રની કેટલી બેદરકારી છે તે સ્વીકારવામાં આવ્યું નથી. બીજી તરફ પોલીસ પણ આ મામલે ભીનું સંકેલી રહી હોય તેવી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો મરનાર 2 વ્યક્તિ તથા ઘટનાને લીધે એક પગ ગુમાવનાર અને બાકીના 26 ઘાયલોને ન્યાય ક્યારે મળશે તે તો જોવું જ રહ્યું.
અમદાવાથી આનંદ મોદીનો અહેવાલ