અમદાવાદ : રાજ્યમાં 3000 કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઇ છે. ત્યારે ક્યાંક પરીક્ષાર્થીઓ અટવાઈ પડતા પોલીસે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડ્યા હતા. તેમજ પરીક્ષા આપવા માટે બહારના જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોને વિવિધ સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે રહેવા અને જમવાની સગવડ કરવામાં આવી હતી.
રાજકોટમાં 150 જેટલા કેન્દ્ર પર યોજાઈ પરીક્ષા : રાજકોટમાં પણ 150 જેટલા કેન્દ્ર પર જુનિયર ક્લાર્ક પરીક્ષા યોજાઈ હતી. એવામાં રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે જુનિયર ક્લાર્કનું પરીક્ષા પૂર્ણ થઈ હતીે. ત્યારે પરીક્ષાર્થીઓએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેપર ખૂબ જ લેન્ધી હતું અને સમય ઓછો પડ્યો હતો. જ્યારે આ વખતે સારું છે કે પેપર ફૂટ્યું નથી. જેના કારણે અમને હવે નવી આશા બંધાઈ છે. રાજકોટમાં આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. શહેરના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા.
પરીક્ષા તંત્રની વ્યવસ્થા ખૂબ જ સારી હતી : રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં ગીર સોમનાથ જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે આવેલા સંગીતા રાઠોડ નામની પરીક્ષાાર્થીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કનું પેપર આ વખતે લેન્ધી હતું. જ્યારે પેપર અઘરું પણ નહોતું મીડીયમ હતું અને આ પેપરમાં સમય ખુટ્યો હોય તેવું લાગ્યું છે. આ સાથે જ પરીક્ષા તંત્રની વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી. હું ગીર સોમનાથ જિલ્લામાંથી આવી હતી અને રાજકોટમાં મારું સેન્ટર આવ્યું હતું, પરંતુ વ્યવસ્થા ખૂબ જ સારી જોવા મળી હતી. જ્યારે મેં એટલી બધી તૈયારી કરી નહોતી, પરંતુ જે લોકોએ તૈયારી કરી હશે તેમના માટે આ પરીક્ષા સહેલી રહી હશે.
આ પણ વાંચો : Junior Clerk Exam 2023: આજે જુનિયર કલાર્કની પરીક્ષા ઉમેદવાર પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર
રાજકોટમાં 150 જેટલા કેન્દ્ર પર યોજાઇ હતી પરીક્ષા : આ સાથે જ રાજકોટમાં જામનગર જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે આવેલા હર્ષિલ તારપરાએ જણાવ્યું હતું કે, પેપર ખૂબ જ અઘરું હતું, પરંતુ તૈયારી કરી હતી. જેના કારણે આ વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. જ્યારે સરકારનો પણ પૂરો સપોર્ટ હતો. આ વખતે સરકાર પણ બસનું ભાડું પણ આપવાની છે. જેના કારણે અમને રાહત થશે. આ સાથે જ પ્રણવ જોશી નામના પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે, આ વખતે પેપર ખૂબ જ લેન્ધી હતું એટલે મારે સમય ખૂટ્યો હતો, પરંતુ આ વખતે મહેનત પણ અમે સારી કરી હતી અને પરીક્ષાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી. જેના કારણે એવું લાગે છે કે, હું આ વખતની પરીક્ષામાં પાસ થઈ જઈશ. રાજકોટમાં 150 જેટલા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં મુખ્યત્વે ગીર સોમનાથ, જામનગર જિલ્લાના પરીક્ષાથીઓ મોટી સંખ્યામાં રાજકોટ કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો : Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત, જિલ્લા ક્લેકટરે યોજી મહત્ત્વની બેઠક
વડોદરા જિલ્લામાં 120 કેન્દ્રો પરીક્ષા માટે ફાળવ્યા હતા : જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ સમગ્ર રાજ્યભરમાં યોજાઈ હતી. જેમાં પ્રશાસન દ્રારા વડોદરા જિલ્લામાં 120 કેન્દ્રો ઉપર 36,810 પરીક્ષાર્થીઓની જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. સમગ્ર રાજ્યમાં કુલ 9.53 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે. રાજ્યભરમાં 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. જ્યાં આજે ઉમેદવારોએ જૂનિયર કલાર્કની પરીક્ષા આપી હતી.
પાટણમાં 562 પોલિસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત : પાટણ શહેર સહિત જિલ્લામાં જુનિયર કલાર્કની પરીક્ષા માટે 31740 ઉમેદવારો માટે જિલ્લામાં 96 કેન્દ્રોના 1058 , બ્લોકમાં પરીક્ષા માટેનું સુચારૂ આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે 32 રૂટ પર વહીવટી અધિકારી - કર્મચરીઓ 2153, પોલીસ અધિકારી- કર્મચારી 562 મળી કુલ 2715 અધિકારી કર્મચરીઓને ફરજ મુકવામાં આવ્યા હતા. પરીક્ષામાં સુચરા આયોજન અને સંચાલન માટે જિલ્લા કક્ષાએ પાટણ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. પરીક્ષાનું સંચાલન સુરક્ષિત અને સુવ્યવસ્થિત થાય તે માટે જિલ્લાના જુદા જુદા વહીવટી અધિકારી કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ એક નાયબ કલેકટર તથા તાલુકા કક્ષાએ નાયબ કલેકટર વર્ગ 1 કક્ષાના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરાયા હતા. પાટણ જિલ્લાના 96 પરીક્ષા કેન્દ્ર ઉપર સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની સંચાલન માટે જિલ્લાના જુદા જુદા વિભાગના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓને બોર્ડ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આકસ્મિક અને તકેદારીના ભાગરૂપે 18 ફ્લાઈંગ સ્કોડ નિયુક્ત કરવામાં આવી હતી.
સંસ્થાઓ દ્વારા કરાઈ વ્યવસ્થા : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે બહારના જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોને વિવિધ સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે રહેવા અને જમવાની સગવડ કરવામાં આવી હતી. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા નવા એસટી બસ સ્ટેન્ડ ખાતે ઉમેદવારો અને તેમના વાલીઓ માટે લીંબુ શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટણ શહેર સહિત સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પરિક્ષાર્થીઓએ ડાંગ જિલ્લા પોલીસ વિભાગની સેવાને બિરદાવી : ડાંગ જિલ્લાના જુદા જુદા સત્તર જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર 5910 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાનાં હોવાથી કોઈ પરીક્ષાર્થી અટવાય ન જાય તે માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગની મદદની સાથે એલર્ટ મૂડમાં આખી ટીમ સજ્જાગ થઈ ગઈ હતી. ડાંગ જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનાં પરીક્ષાર્થીઓ માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાઈ હતી. વલસાડ જિલ્લાના ગુંદલાવથી ડાંગ જિલ્લામાં આવેલ પરિક્ષાર્થી અટવાઈ પડતા ડાંગ પોલીસે પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડ્યા હતા. એકલવ્ય સ્કૂલનું એક જ નામનાં કારણે પરિક્ષાર્થી અટવાઈને આહવા પોહચી ગઈ હતી. પોલીસ દ્વારા આ પરિક્ષાર્થીની હોલ ટીકીટની ચકાસણી કરતા પરીક્ષાર્થીનું સેન્ટર સાપુતારા માલેગાંવ એકલવ્ય સ્કૂલ હોય જેથી પોલીસ દ્વારા આ પરિક્ષાર્થીને આહવાથી સાપુતારા માલેગાવ 35 કિમિનું અંતર કાપી સમયસર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. તેમજ બીજા પરિક્ષાર્થી પણ એકલવ્ય સ્કૂલ સાપુતારાના બદલે માલેગાવ પોંહચી ગયા હતા તેમને પોલીસ સ્ટાફને મુશ્કેલી જણાવતા આ પરિક્ષાર્થીને માલેગાવથી સાપુતારા પહોંચાડવામાં આવ્યાં હતાં. પ્રથમ વખત ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામ હાથ ધરાતા પરિક્ષાર્થીઓ સહિત ડાંગવાસીઓએ તેઓની સેવાને બિરદાવી હતી.
પરીક્ષાર્થીઓએ આભાર કર્યો વ્યક્ત : સમસ્ત રાજયનાં જિલ્લાઓમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી જેથી પરિક્ષાર્થીઓ ખાનગી વાહનો સહિત એસ.ટી બસોમાં સવાર થઈ જે તે પરીક્ષાકેન્દ્રો પર જવા માટે રવાના થયા હતા. આજરોજ ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં શિવઘાટના વળાંકમાં પરિક્ષાર્થીઓ ભરેલી જી.જે.30 એ.1924 નંબરની ટાવેરાની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. આ ટાવેરા માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ માંડ માંડ પલ્ટી ખાતા બચી ગઈ હતી .સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. આ બનાવની જાણ ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાનાં ભાજપાનાં મહાપ્રધાન હરિરામ સાંવત તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અહી નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને ભાજપાનાં મહાપ્રધાન હરિરામભાઈ સાંવત દ્વારા તેઓની ખાનગી ગાડીમાં પરીક્ષાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવાની સગવડ કરતા પરીક્ષાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.