અમદાવાદઃ રાજ્ય સહિત દેશભરમાં પબજી ગેમનો ભારે ક્રેઝ અને વ્યસન જોવા મળ્યું હતું. આ ગેમથી નાના બાળકોથી લઈને મોટી વયના લોકો પણ સામેલ હતા. ત્યારે હવે માતાપિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે.
જૂનાગઢના યુવકે ફસાવી પ્રેમજાળમાંઃ શહેરમાં ઓનલાઈન પબજી ગેમ રમતી સગીરા એક યુવકના માયાજાળમાં ફસાઈ ગઈ હતી. જૂનાગઢના યુવકે અમદાવાદની સગીરાને આ ગેમ મારફતે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ યુવકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં આરોપીએ સગીરાને બ્લેકમેલ કરી 62,000 રૂપિયા પણ પડાવી લીધા હતા. તેમ છતાં યુવકે સગીરાનો વીડિયો વાઈરલ કરી દેતા પરિવારને જાણ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના પછી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારે અમદાવાદ પોલીસે આ મામલે POCSO અને દુષ્કર્મની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
સગીરાએ નોંધાવી પોલીસ ફરિયાદઃ સગીરાની પોલીસ ફરિયાદ મુજબ, આશરે અઢી વર્ષ પહેલા જૂનાગઢમાં રહેતો અક્ષય નિમાવત પબજી રમતા તેની સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે અમદાવાદ આવી ફરવાના બહાને સગીરાને સરખેજ અને નવરંગપુરા અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે જ સમયે આરોપી અક્ષયે પોતાના મોબાઈલમાં સગીરાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો વાયરલ ન કરવા માટે સગીરા પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે, સગીરાએ પૈસા આપ્યા છતાં આરોપી અક્ષય નિમાવતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો હતો.
સગીરા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વીડિયો જોતા હકીકત આવી સામેઃ જોકે, આ વીડિયો સગીરાની સાથે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મળી આવતા સગીરાએ સમગ્ર હકીકત જાહેર કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એક તરફ પોલીસ દુષ્કર્મ, POCSO અને બ્લેકમેલિંગના ગુનામાં આરોપીની શોધખોળ કરી રહી છે. બીજી તરફ સગીરાનો વીડિયો કોણે અને કેવી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં શું નવા ખૂલાસા થાય છે તે જોવું મહત્વનું છે.
પોલીસે વિવિધ ટીમને લગાડી કામેઃ આ અંગે શહેર પોલીસના I ડિવિઝનના ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, સગીરાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. આરોપીના ઝડપાયા બાદ તેના મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાશે.