અમદાવાદ : જૂનાગઢના મજેવડી દરવાજા પાસે ગેરકાયદેસર દરગાહ ઉભી કરી દેવામાં આવી છે. જેને તોડવા માટે નગરપાલિકાના અધિકારીઓએ નોટિસ પાઠવી હતી. તે દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું અને પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસના વાહનને આગ ચાંપી હતી તેમજ એક પોલીસ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો.
174 લોકોની અટકાયત : મજેવડી ગેટ પાસે મામમો તંગ બન્યો હતો. પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરીને ટીયરગેસના સેલ છોડ્યા હતા. અસામાજિક તત્વો દ્વારાના પથ્થરમારામાં જૂનાગઢના પોલાભાઈ સુત્રેજાનું મૃત્યુ થયું હતું. જોકે મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ કરીને 174 લોકોની અટકાયત કરી હતી.
ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરાયા : આ તો થઈ જૂનાગઢની વાત પણ ગુજરાતના એવા અનેક શહેર છે જ્યાં ગેરકાયદે ધાર્મિક સ્થાનના બાંધકામ કરાયા છે અને તેને દૂર પણ કરાયા છે. તો કેટલાકને દૂર કરવા માટેના કાયદેસરની પ્રક્રિયા ચાલી રહી છે.
કચ્છના ખાવડામાં મદરેસા અને મસ્જિદ તોડી : આ પહેલા ભારત પાકિસ્તાન સરહદ પર કચ્છનું છેલ્લું ગામ ખાવડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક માણસ મદરેસા અને મસ્જિદનો તોડી રહ્યો છે. જોકે તપાસ બાદ સ્પષ્ટતા થઈ હતી કે આ વીડિયોમાં મદરેસા અને મસ્જિદ ત્યાંના સ્થાનિક લોકો જ તોડી રહ્યા હતા અને તે સત્તાવાળાની નોટિસ આવ્યા પછી તોડી હતી.
દાહોદમાં જૂની મસ્જિદ તોડી હતી : ગુજરાતના જ દાહોદ શહેરમાં શતાબ્દી જૂની એક મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. ભારે પોલીસનો કાફલા સામે વહેલી સવારે સાડા ચાર વાગ્યે મોટા કાફલા સાથે મસ્જિદને તોડી પડાઈ હતી. અધિકારીઓનું કહેવું હતું કે, મસ્જિદ ટ્રસ્ટ આ મસ્જિદની જગ્યાની જમીનના રેકોર્ડ દસ્તાવેજ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી શકી ન હતી. જેથી સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તાને પહોળો કરવાની યોજનામાં વચ્ચે આવતા આ મસ્જિદને તોડાઈ હતી.
ગેરકાયદેસર ચાર મંદિર તોડ્યા હતા : દાહોદમાં મસ્જિદ તોડી તેના કેટલાક કલાક પછી ચાર મંદિર અને બીજી 3 દરગાહોને પણ તોડી નાંખવામાં આવ્યા હતા. જો કે ખૂબ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે તોડવામાં આવી હતી.
બેટ દ્વારકા ટાપુ પર 35 બાંધકામ તોડ્યા : ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ બેટ દ્વારકા ટાપુ પર 3 દિવસમાં અંદાજે 35થી વધુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા હતા. બેટ દ્વારકામાં 15,000ની વસ્તી છે, જેમાં 80 ટકા વસતી મુસ્લિમોની છે. આ વિસ્તારમાં પણ કેટલાય ગેરકાયદેસર બાંધકામો થયા છે. સત્તાવાળાની નજરમાં આવતા તેમને નોટિસ પાઠવીને ખાલી કરાવ્યા હતા. બેટ દ્વારકા વિસ્તાર જે દરિયાકાંઠાની સુરક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વપૂર્ણ છે અને તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખાની નજીક છે. આથી પોલીસ કાફલાને સાથે રાખીને 35થી વધારે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા હતા.