અમદાવાદ- અમદાવાદના સૌથી મોટા મુસ્લિમ વિસ્તાર ગણાતાં જૂહાપુરા-સરખેજમાં કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે વધારે પોલીસ ફોર્સ સાથે સમગ્ર વિસ્તારને લૉક ડાઉન કરાવવમાં આવ્યું છે. સ્થાનિક લોકોના સહયોગ અને પોલીસના માર્ગદર્શન હેઠળ સરખેજ- જૂહાપુરામાં નહિવત દુકાનો જ ખુલ્લી હતી. ઇ ટીવી ભારતની ટીમે જૂહાપુરા APMCથી સરખેજ પોલીસ સ્ટેશન થઈ સૌરાષ્ટ્ર જવાનો હાઈ-વે સુધી મુલાકાત લીધી હતી, જોકે તમામ દુકાનો બંધ અને દરેક ચાર રસ્તા પર પોલીસ જોવા મળી હતી. એટલું જ નહીં સરખેજ વિસ્તારમાં તો પોલીસ દ્વારા બેરીકેડ મુકવામાં આવ્યાં છે.
સરખેજ વિસ્તારમાં સોસાયટી અને શેરીઓમાં ઓછી અવરજવર જોવા મળી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં પોલીસને ડ્રોનની મદદ લેવી પડી રહી છે, પરંતુ અહીંયા સ્થિતિ ઉલટી છે. સરખેજ રોજા મુખ્ય રોડથી ઘણું અંદર હોવા છતાં ત્યાં પણ દુકાનો બંધ જોવા મળી હતી. એટલું જ નહીં, ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સરખેજ રોજાને પણ 14 એપ્રિલ સુધી લૉક ડાઉન કરી દેવાયું છે.
જૂહાપુરા ગીચ વસ્તી ધરાવતો મોટો વિસ્તાર છે, જો અહીં કેસમાં વધારો થશે તો કોરોનાનો આંકડો ખૂબ વધી શકે છે. જેથી અમદાવાદ પોલીસ દ્વારા જુહાપુરા વિસ્તારમાં લૉક ડાઉનનું ચુસ્તપણે પાલન કરાવ્યું છે.