જે.પી નડ્ડાના એરપોર્ટ આગમન દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત રાજ્ય સરકારના પ્રધાનો અને ગુજરાત ભાજપ આધ્યક્ષ જીતુ વાઘાણી તેમનું સ્વાગત કરશે. બપોરે 3 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, જ્યાંથી તેઓ કમલમ્ ખાતે જવા માટે રવાના થશે.
આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલયથી પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, 19 જુલાઈએ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત અને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર પ્રવાસે આવી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે બપોરે 4 કલાકથી ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશના સંયોજક તથા સહસંયોજકો સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. બાદમાં 20 જુલાઈએ તેઓ નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જ્યાં મધ્ય ગુજરાતના ભાજપ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કરશે.
ગત રોજ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ અને બાયડના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કેસરિયો ધારણ કર્યો હતો, ત્યારબાદ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી છે. તેમજ કાર્યકારી પ્રમુખના પ્રવાસ દરમિયાન કઈ બાબતો પર ચર્ચા થઈ શકે અને પક્ષની આગામી રણનીતિ અંગે ચર્ચા કરાઈ છે. ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારથી માંડી સરકારની સ્થિતિ સુધીની ચર્ચા કાર્યકારી પ્રમુખ પોતાના પ્રવાસ દરમિયાન કરી શકે છે.
ભાજપ દ્વારા ઔપચારિક રીતે આ પ્રવાસનો હેતુ જાહેર કરાયો નથી, પરંતુ તેમની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કારણ કે આગામી સમયમાં અનેક વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ ચૂંટણીનું આયોજન થનાર છે. જેના આયોજન માટે પણ આ મુલાકાત જરૂરી મનાઈ રહી છે. કોંગ્રેસમુક્ત ભારતની નીવ રાખી ચાલી રહેલા ભાજપે ગુજરાતને સંપૂર્ણ રીતે કોંગ્રેસમુક્ત કેવી રીતે કરવું તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.
ગત રોજ કેસરીયા રંગમાં રંગાનાર અલ્પેશ એક સમયે ભાજપાના સર્વોચ્ચ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મશરૂમ ખાવાની ટીપ્પણી કર્યા બાદ હવે નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયા છે, ત્યારે ભાજપ તેમને શું હોદ્દો આપશે તે અંગે પણ ચર્ચા-વિચારણા જે.પી. નડ્ડાના પ્રવાસ દરમિયાન થાય તેવી શક્યતાઓ છે.
ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા બાદ તેમણે સંગઠનમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં જે.પી. નડ્ડાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. જે.પી. નડ્ડા સંગઠન પર મજબૂત પકડ ધરાવે છે. આ ઉપરાંત તેઓ પણ ભાજપના રાજકારણના માસ્ટર માઈન્ડ છે. તેવા સમયે હવે તેમનો આ પ્રવાસ ઘણો મહત્ત્વનો બની રહેશે.