અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં કરી હતી. જોકે આ અરજીને કોર્ટે ફગાવી દીધી છે, કોર્ટે આ અરજીને ફગાવતા મહત્વના કારણો આપ્યા હતા.
તથ્યએ નવ લોકોનો જિવ લિધો હતો : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્યને જામીન ના આપવા બાબતે મહત્વના અવલોકનો નોંધ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ છે. કોર્ટે નોંધ્યું છે કે, આ અકસ્માતમાં 09 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. જેમાં પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. એક ઘાયલ વ્યક્તિ હજી હોસ્પિટલમાં છે.
તથ્યના વકિલનું નિવેદન : તથ્ય પટેલની જામીન અરજીમાં દલીલો કરતી વખતે તથ્યના વકીલ નિસાર વૈદ્યએ કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસ પાસે તથ્યની ગાડી 141 કિલોમીટરની ઝડપે ચાલતી હતી, તેના કોઇ પુરાવા નથી. ફક્ત બાઈકર દ્વારા ઉતારાયેલ વિડિઓને આધારે FSLની ટીમે ગાડીની ઝડપ નક્કી કરી છે. જો કે કોર્ટે અવલોકન નોંધ્યું હતું કે, FSLનો રિપોર્ટ તજજ્ઞોએ તૈયાર કર્યો છે, તેને નકારી શકાય નહીં. અકસ્માત સમયે તેની ગાડીમાં હાજર તેના પાંચ મિત્રોએ જ નિવેદન આપ્યું છે. ઉપરાંત મૃતકના પરિવાર જનોની વાંધા અરજી પણ કોર્ટે ચુકાદો આપતા ધ્યાને લીધી છે.
આ મુજબની કલમો નોંધાઇ : તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. તથ્ય પટેલે વકીલ નિસાર વૈદ્ય મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની ઉપર દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો અપાતા તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દિધી હતી.