અમદાવાદ: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બુધવારે વહેલી સવારે જેગુઆર કાર ચાલકે પુરઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં 9 જેટલા લોકોના મોત નિપજ્યા હતા તેમજ 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી. જેને આજે અમદાવાદ કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર કરવામાં આવ્યા હતા.
તથ્યના 3 દિવસના રિમાન્ડ મંજૂર : આરોપીના વકીલ નીશાર વૈદ્યે જણાવ્યું કે, પોલીસ દ્વારા તેને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પણ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવે છે. ત્યારે મેં કોર્ટ સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરી હતી કે, આ રિમાન્ડ મંજૂર કરવામાં ન આવે. હાલમાં માત્ર તથ્ય પટેલના જ રિમાન્ડની માંગ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પ્રગ્નેશ પટેલને સાબરમતી જેલમાં 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે કોર્ટ દ્વારા તથ્ય પટેલને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. એટલે કે, 24 તારીખે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે.
પ્રજ્ઞેશ પટેલ જેલ હવાલે : સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હજુ પણ પોલીસની તપાસ બાકી હોવાને કારણે 24 તારીખને સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે પણ પોલીસની તપાસ બાકી છે, તે તપાસના કારણે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને પ્રજ્ઞેશ પટેલને 14 દિવસ માટે સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી : આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા કોર્ટની અંદર 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા કોર્ટે રૂમમાં દલીલ કરતા જણાવ્યુ હતું કે, તપાસ માટે પૂરતો સમય મળી શક્યો નથી. જેના કારણે 5 દિવસના રિમાન્ડની માંગ છે. ગાડીમાં જે લોકો હતા, આરોપીના મોબાઈલ તપાસ, તે કયા કયા રેસ્ટોરન્ટમાં ગયા હતા, આ ઉપરાંત સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ અંગે પણ તપાસ કરવાની બાકી છે. જેના કારણે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પહોચ્યા હતાં : આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ પહેલા પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર પોલીસના અંદાજિત 50 જેટલા જવાનોને પણ રાખવામાં આવ્યા હતા અને તેને પ્રવેશવા માટે દોરડા લંબાવીને અલગ જ પ્રકારે કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.
પિતા પુત્રની પોલીસે કરી હતી ધરપકડ : ઉલ્લેખનીય છે કે, બુધવાર સવારે ઇસ્કોન ચાર રસ્તા પર આવેલ ઓવરબ્રિજ પર એક થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને જોવા ઊભા રહેલા લોકોને પાછળથી 120થી વધારે સ્પીડમાં આવતી જેગૂઆર કારે અંદાજીત 20 જેટલા લોકોને હડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે 8 લોકો મોત થયા હતા. જયારે 1 વ્યક્તિનું સારવાર અર્થે મોત થયું હતું. જયારે 11 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાર ચલાવનાર તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી. કાર ચાલક પિતા આ પહેલા પણ 10 જેટલા ગુનામાં સામેલ છે.