અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ તેમજ પ્રગ્નેશ પટેલ સામે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કેસ કમિટ કરી દેવામાં આવ્યો છે. આજે આ કેસમાં બંને આરોપીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ રૂમમાં હાજર કરવામાં આવ્યા હતા. જોકે આજની કાર્યવાહી દરમિયાન આરોપીના વકીલ તરીકે જીલ શાહ આવતીકાલે વકીલાતપત્ર કોર્ટમાં દાખલ કરશે. ત્યારબાદ આરોપીઓની સહી લેવા માટે અમદાવાદ સાબરમતી જેલ જશે. ત્યારબાદ આ કેસમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા પછી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આવતીકાલે આ કેસમાં વધુ સુનાવણી પણ થશે.
આજે ઇસ્કોન અકસ્માત કેસમાં સુનાવણી રાખવામાં આવી હતી. આવતીકાલે આરોપીઓના વકીલને વકીલ પત્ર રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ સાથે જ આજે પ્રજ્ઞેશ પટેલને પોતાના કેન્સર માટે જે સારવાર કરાવવામાં આવી રહી છે તેના ચેકઅપ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. - સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદી
આરોપીઓને વિડિયો કોન્ફરન્સથી રજૂ કરાયા : અત્રે મહત્વનું છે કે, પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર મોઢાના કેન્સરની સારવાર માટે વચગાળાના જામીન દાખલ કર્યા હતા. જોકે આ જામીન ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા હતા અને ત્યારબાદ કોર્ટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં સારવાર લેવા માટે આદેશ આપ્યો હતો અને તેનો રિપોર્ટ 10 દિવસમાં કોર્ટમાં જમા કરાવવાનો પણ કોર્ટે નિર્દેશ કર્યો હતો.
આવતીકાલે સુનાવણી હાથ ધરાશે : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. તથ્ય પટેલે વકીલ નિસાર વૈદ્ય મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની ઉપર દલીલો પૂર્ણ થયા બાદ આજે કોર્ટે ચુકાદો અપાતા તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દિધી હતી.