ધોલેરા: ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) એ ગુજરાત ટુરિઝમના સહયોગથી પહેલી વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્યપ્રધાન ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં અમિતશાહના હસ્તે સ્પર્શ મહોત્સવનો પ્રારંભ, જાણો ખાસિયત
કુલ 98 પતંગબાજોએ રંગબેરગી પતંગો ચગાવી: સવારે અગિયાર વાગ્યે શરૂ થયેલા વિશેષ કાર્યક્રમમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થયા હતા. કેનેડા, યુએસ, રશિયન ફેડરેશન, ન્યૂ ઝીલેન્ડ, શ્રીલંકા, ઈજીપ્ત, સાઉદી અરેબિયા અને અન્ય ઘણા દેશોના કાઈટ ફ્લાયર્સ આવ્યા હતા. ધોલેરા ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશોમાંથી 42 પતંગબાજો અને 4 ભારતીય રાજ્યોમાંથી 26 પતંગબાજો અને ગુજરાતમાંથી 25 પતંગબાજો મળીને કુલ 98 પતંગબાજો સહભાગી થયા હતા. આ પતંગબાજોએ તેમના અવનવા પતંગોને ચગાવી કાર્યક્રમને જીવંત અને રંગીન બનાવી દીધો હતો.
ધોલેરા ઉદ્યોગોના વિકાસની નવી પાંખો આપશે: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્ય પ્રધાન ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ કહ્યું કે, ધોલેરા સ્માર્ટ સિટી માટે આજે ગૌરવ અને આનંદનો પ્રસંગ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું વિશ્વસ્તરીય ઔદ્યોગિક સ્માર્ટ સિટી વિકસાવવાનું વિઝન સાકાર થઈ રહ્યું છે. ધોલેરા વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું શહેર હશે અને વિશ્વ સમક્ષ ભારતની ક્ષમતાનું પ્રદર્શન કરશે. મને વિશ્વાસ છે કે અહીં પતંગ મહોત્સવનું આયોજન ધોલેરા સ્માર્ટ સિટીને ઉદ્યોગોના વિકાસની નવી પાંખો આપશે અને પ્રવાસનને વેગ આપશે.
આ પણ વાંચો: Salt Say Software: NCC 'સોલ્ટ ટુ સોફ્ટવેર' બાઇક રેલી યોજી
ધોલેરા પ્રવાસનને પ્રોત્સાહન આપશે: ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે ગુજરાતની ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. ધોલેરા જેવા વિશિષ્ટ પ્રદેશને પ્રવાસન અને તહેવારો દ્વારા પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ થશે.
કાઈટ ફેસ્ટિવલથી રોકાણકારો આકર્ષાશે: DSIRDA ના CEO અને DICD Ltd ના MD IAS હારીત શુક્લાએ તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, ધોલેરા કાઇટ ફેસ્ટીવલની યજમાની કરી રહ્યું છે. આ વર્ષનો પતંગોત્સવ G20 થીમ પર છે, જેમાં ભારત G20 દેશોની પ્રેસિડેન્સી કરી રહ્યું છે. આગામી વર્ષોમાં ધોલેરા વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક શહેર બનશે. કાઈટ ફેસ્ટિવલ વિશ્વભરના રોકાણકારો અને વ્યવસાયોને આકર્ષવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે: અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ધોલેરાને સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે વિકસિત કરી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકારે સેમિકંડકટર પોલીસી જાહેર કરી હતી, જેમાં ધોલેરામાં આ સેમિકંડકટર ઉદ્યોગનો સૌથી મોટો પ્લાન્ટ સ્થપાશે, જેના એમઓયુ થઈ ગયા છે. તેમજ ધોલેરામાં બેનમુન વિશ્વ કક્ષાનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. ધોલેરા એક જમાનામાં ઉદ્યોગ ધંધાથી ધમધમતું બંદર હતું. હવે તે ધોલેરા આંતરરાષ્ટ્રીય સ્તરે ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ડેવલપ થઈ રહ્યું છે.