અરવલ્લી: લોકડાઉનના પહેલા તબક્કામાં અરવલ્લીમાં એક પણ કોવિડ-19નો કેસ નોંધાયો ન હતો. પરંતુ બીજા તબક્કામાં અચાનક કેસમાં ઉછાળો આવતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જિલ્લાને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે કારણે લોકો ચિંતામાં મુકાયા છે. લોકડાઉનના બીજા તબક્કામાં અરવલ્લીમાં એક પછી એક 19 કેસ નોંધાયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં મોટાભાગના કેસ બહારથી આવેલા અરવલ્લીવાસીઓ છે. અરવલ્લી જિલ્લાની સરહદો સિલ કરી હોવાની વાતો વચ્ચે કેટલાક લોકો ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત બન્યા છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. ત્યારે જિલ્લા પ્રશાસન તંત્ર લોકડાઉનની અમલવારી કરાવવામાં નિષ્ફળ રહ્યુ છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારવાર જોઈએ તો ભિલોડા તાલુકામાં 02, ધનસુરા 03, મેઘરજ 04, મોડાસા 06 અને બાયડ 04 કુલ મળીને કોવિડ-19ના પોઝિટિવ કેસ નોધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના નિદાન માટે PCRથી 473 અને રેપિડથી 57 મળી કુલ 530 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 23 સેમ્પલનો રિપોર્ટ હજૂ પેન્ડિંગ છે.
જિલ્લામાં હાલ 13 વ્યક્તિઓને આઈસોલેટેડ કરાયા છે. તો મોડાસના કોવિડ કેર સેન્ટરમાં 8 અને બાયડના કોવિડ કેર સેન્ટરમાં 15 લોકોને સારવાર હેઠળ રખાયા છે.