અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના વધતા કેસ વચ્ચે 1લી જૂનથી અનલોક-1ની જાહેરાત કરાતા મોટાભાગની દુકાનો ખુલી ગઈ છે. જો કે, તેમાં કામ કરનારા દૈનિક મજૂરોને હજૂ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૈનિક મજૂરોને પહેલાં કરતા ઓછા વેતન પર રાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ લોકોને દરરોજ નહીં પરંતુ સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ બોલાવવા આવે છે. આવી પરિસ્થિતિમાં દૈનિક મજૂરી કામ કરતા લોકોની આવક લગભગ અડધી થઈ ગઈ છે અને મજૂરને મળવાપાત્ર જેટલી રકમ પણ મળી શકતી નથી.
દૈનિક વેતન પર કામ કરનારા વ્યક્તિએ નોકરી ગુમાવવાના ભયને લીધે સંસ્થા કે પોતાનું નામ ન જાહેર ન કરવાની શરતે જણાવાયું હતું કે, કોરોના લોકડાઉન દરમિયાન ધંધો-રોજગાર ભાંગી પડતા અને માલિકોને કોઈ ખાસ આવક ન થતા તેમના દૈનિક વેતનમાં 40થી 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે, વળી કેટલીક ફેક્ટરીઓમાં તો લોકોને દરરોજ નહીં પરંતુ એક દિવસ છોડીને બીજા દિવસે નોકરી પર બોલાવવામાં આવે છે. આજ રીતે મોટી કંપનીઓ પણ કર્મીઓનો પગાર કાપ અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ કાપી રહી છે, ત્યારે અનલૉક-1 બાદ પણ વધુ ગ્રાહકો ન આવતા હોવાથી નફાના અભાવને લીધે દૈનિક મજૂર વર્ગને માલિકો દ્વારા પૂરતું દૈનિક વેતન ચૂકવવામાં આવતું નથી.
કેટલાક દૈનિક મજૂર લોકોએ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના લોકડાઉનમાં કોઈપણ પ્રકારની આવકથી વંચિત હતા અને બચત રકમમાંથી સમય કાઢ્યો જો કે, હવે નોકરી શરૂ થતાં થોડી આવકની શરૂઆત થઈ છે પરંતુ પહેલા કરતા ઓછા પૈસા ચૂકવાય છે. હાલ આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી આ ઓફરને પણ સ્વીકારવી પડે છે.
કોરોના મહામારીને ડામવા માટે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા લોકડાઉનની સૌથી વધુ અસર ગરીબ તબક્કા પર પડી છે. ત્યારે હજૂ પણ દૈનિક મજૂરી કરનારા વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ફેક્ટરી, કારખાના, માર્કેટમાં સેલ્સમેની કરતા લોકો કે જે દૈનિક કમાય છે. તેમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, પોતે ગરીબ હોવાથી નોકરી ગુમાવવાના ડરે કોઈ સામે આવીને બોલવા તૈયાર થતું નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી દરરોજ 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ અમદાવાદમાં 4011 કોરોના સક્રિય કેસ નોંધાયા છે અને કુલ 1231 દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાથી 16મી જૂન સુધીમાં 1534 દર્દીઓના મોત થયાં છે. ગુજરાતમાં સાજા થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યા 17,090 પર પહોંચી છે.
-અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ...