- અમદાવાદીઓએ કર્યા નવા વર્ષના વધામણાં
- હાથ મિલાવવાની જગ્યાએ કર્યું હાથ જોડીને અભિવાદન
- કોરોનાથી બચવા અમદાવાદીઓ સતર્ક
અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે ત્યારે તહેવાર પણ છે. જેથી તહેવારના રંગમાં ભંગ ના પડે તેની તકેદારી લોકોએ જાતે જ રાખી છે અને દર વર્ષે હાથ મિલાવીને કે ગળે મળીને લોકો મળતા હોય છે પરંતુ આ વર્ષે લોકોએ દુરથી જ હાથ જોડીને એક બીજાને અભિવાદન કર્યું છે.
મંદિરમાં પણ લોકોએ નિયમોનું પાલન કરવું પડ્યું
હાલ જે પ્રમાણે સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને દેવ સ્થાન કે મંદિરમાં પણ તકેદારી રાખવામાં આવી છે. મંદિરમાં આવતા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ ફરજીયાત કરવામાં આવ્યું અને બાદમાં હાથ સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મંદિરમાં લોકોને વધુ સમય રોકવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો.
જાહેર સ્થળો પર પણ નિયમોના પાલન માટે તકેદારી
તહેવારમાં લોકો એકબીજા સાથે મળીને જાહેર સ્થળ ઉપર ભીડ સ્વરૂપે ભેગા ના થાય અથવા સોશિયલ ડિસ્ટન્સનું ભંગ ના કરે તે માટેની તકેદારી તંત્ર દ્વારા પણ રાખવામાં આવી છે. જાહેર સ્થળો પર લોકોને નિરંતર સૂચના આપવામાં આવી રહી છે. જરુર જણાય ત્યાં પોલીસ દ્વારા પણ લોકોને નિયમોના પાલન માટે સમજાવવામાં આવી રહ્યું છે.
હાલની પરિસ્થિતિને જાગૃત નાગરિકો પણ સમજ્યા છે અને સરકાર તરફથી આપવામાં આવેલા હાઈડલાઈનનું પાલન કર્યું છે, આ રીતે નિયમોનું પાલન થાય તો મહામારી સામે લડતમાં જીત મેળવી શકાશે.