અમદાવાદ: વટવા પાસે આવેલા હાથીજણ રીંગ રોડ પર થોડા સમય પહેલા બનેલો સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં 2 ભાઈઓએ પોતાના સંતાનો સાથે ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે બાળકોને પોતાનું જીવન માનતી મોટાભાઈની પત્નીએ હવે સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી છે.
મૃતક જ્યોત્સનાબેને તેમના કુટુંબીજનોને સંબોધીને સ્યૂસાઈડ નોટ લખી છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, તેમનું જીવન તેમના બાળકો હતા. તેમના વગર તેઓ જીવી શકતા નથી. આ ઉપરાંત તેમની વૃદ્ધ માતાનું ધ્યાન રાખવા માટે ફઈ, ફુવા અને મામા-મામીને વિનંતી કરી છે. તેમજ તેમની દેરાણી હેતલની તેમણે માફી માંગી છે.
જ્યોત્સનાબેનને તેમના બાળકોની યાદ સતત આવતી હતી. બાળકો અને પતિ વગર જીવવું અશક્ય બનતા અંતે તેમણે હાથીજણ સ્થિત મકાનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
શહેરના હાથીજણ સર્કલ ખાતે આવેલી પ્રયોસા રેસિડન્સીમાં એક જ પરિવારના છ લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. એક બંધ મકાનમાંથી તમામ છ લોકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં બે પુરુષ અને ચાર બાળકો સામેલ હતા. વટવા અને હાથીજણ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ બંને 17મી જૂનના બપોરના સમયે તેમના બાળકોને લોંગ ડ્રાઈવ પર લઈ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.જે બાદ બંધ મકનમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.
જ્યોત્સનાબેનના આપધાત અંગે વિવેકાનંદનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.