અમદાવાદ: નરોડા ગામ કેસના મુખ્ય આરોપી અને પૂર્વ કેબિનેટ પ્રધાન માયા કોડનાની વતી તેમના વકીલ તરફે અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, નરોડામાં હિંસાના સમયે માયા કોડનાની સોલા સિવિલ હોસ્પિટલ બાજુ હતા. જેથી સાક્ષીઓએ SIT સમક્ષ આપેલા નિવેદનને માની શકાય નહિ. સુપ્રિમ કોર્ટના આદેશથી બનાવવામાં આવેલી SIT સમક્ષ સાક્ષીઓએ તરફે જુબાની આપવામાં આવી હતી કે, 28મી ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં હિંસાના સમયે માયા કોડનાની સવારે 9.30 થી 10.30 વચ્ચે તોફાનીઓને આદેશ આપતા હતા.
જો કે, માયા કોડનાની તરફે દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ બનાવના સમયે બીજી જગ્યા પર હતા. નરોડામાં હિંસાના સમયે માયા કોડનાની ગાંધીનર વિધાનસભા અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હોવાનું પણ સાક્ષીઓએ જુબાની આપી હતી.
માયા કોડનાનીએ તેમની નિર્દોષતા પુરવાર કરવા માટે વર્ષ 2018માં વર્તમાન ગૃહ પ્રધાન અમિત શાહ, તેમના પતિ સુરેન્દ્ર કોડનાનીએ જુબાની આપી હતી. અમિત શાહે ટ્રાયલ કોર્ટમાં જુબાની દરમ્યાન જણાવ્યું હતું કે, માયા કોડનાની સવારે 8.30 વાગ્યે વિધાનસભા અને 9.30 વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા. નરોડા ગામમાં મોટી સંખ્યામાં હિંસાત્મક ટોળું એકત્ર થયું હોય તેવી કોઈ જાણકારી ન હોવાની પણ દલીલ કરાઈ હતી.