અમદાવાદઃ મહાનગરપાલિકાના કમિશ્નરે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં મનપા કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, સોમવારે 6 વાગ્યાથી એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ જાહેર જગ્યાઓએ મૂલાકાત લેનારા લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. આનું ઉલ્લંઘન કરનારા લોકોને 5000 રૂપિયાનો દંડ અથવા 3 વર્ષ કેદની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કરિયાણા, દૂધ, શાકભાજી લેવા સમયે પણ તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે. માસ્ક ન હોય તેવા લોકોએ હાથ રૂમાલ, દુપટ્ટો કે કોઈ પણ અન્ય કપડાંથી મોં અને નાક ઢાંકવુ ફરજિયાત છે.
કમિશ્નરે કોરોના અંગે કહ્યું કે, રોજના સેંકડોની સંખ્યામાં કેસ આવી શકે છે. જેથી 700થી વધુ ટીમમાં 1500થી 2000 જેટલા આરોગ્ય કર્મચારીઓ વહેલી સવારથી મોડી સાંજ સુધી અસહકાર વચ્ચે પણ પોતાનું કામ કરી રહ્યા છે. આ લોકોને સહકાર આપો.
વધુમાં તેમણે કહ્યું કે, 2016 જેટલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં 1,717 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે અને 399 લોકોને AMC ખાતે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.