અમદાવાદ: કોરોના સામેની લડાઇમાં પોલીસે મહત્વની કામગીરી કરી છે. મહામારીમાં લોકોને બચાવવા પોલીસ રસ્તાથી લઈને લોકોમાં ઘર સુધી પહોંચી છે અને ક્યારેક લોકો સાથે ઝપાઝપી પણ થઈ છે, ત્યારે 280થી વધુ પોલીસ જવાનો કોરોનાનો ભોગ બન્યા હતા. જેમાંથી અનેક સાજા થઈને પરત ફર્યા છે અને કેટલાક હજુ સારવાર મેળવી રહ્યા છે.
કોરોનાનો ભોગ બનેલા અનેક કર્મચારીઓને સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં ખરાબ અનુભવો થયેલા છે. જે પોલીસ કમિશ્નરના પણ ધ્યાન પર છે. જેથી પોલીસને ઉત્તમ સારવાર મળે તે હેતુથી નરોડામાં આવેલા સેલ્બી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ પોલીસ જવાનોની સારવાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તથા હોમ કોરેન્ટાઈનમાં પણ પોલીસકર્મીઓને રાખવા હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલમાં 65 જેટલા પોલીસ જવાનને કોરોના પોઝિટિવ છે અને તેઓ સિવિલ, SVP તથા અન્ય હોસ્પિલમાં સારવાર મેળવી રહ્યા છે પણ હવે સેલ્બી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. ઉપરાંત પોલીસની મદદમાં રહેતા TRB, હોમ ગાર્ડ તથા અન્ય જવાનોની પણ સેલ્બી હોસ્પિટલમાં જ સારવાર કરવામાં આવશે.