અમદાવાદમાં સાઇબર ક્રાઇમે એક એવી ગેંગ ઝડપી છે. જે લોકોનો ડેટા મેળવી તેમના નામે સરકારી અનાજનું વેચાણ કરવાનું કૌભાંડ ચલાવતા હતા. સાઇબર ક્રાઇમની કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓ ભરત ચૌધરી, ધવલ પટેલ ,દુષ્યંત પરમાર જેમાં આરોપી ધવલ પટેલ અત્યાર સુધીમાં 20,000થી વધુ જેટલો ડેટા ભરત ચૌધરીને આપેલ છે. અત્યાર સુધીની તપાસમાં ત્રણે આરોપી ભેગા મળી ગુજરાતના 25000 નાગરિકોના ફિંગર પ્રિન્ટ અને આધારકાર્ડનો ડેટાબેઝ પોલીસને પ્રાપ્ત થયેલ છે.
જ્યારે 40 જેટલા દુકાનધારો પાસેથી રેશનીંગ ધારકો આ બાયોમેટ્રિક અને આધારકાર્ડનો ડેટા મેળવતા હતા. તેમજ ડેટા મળ્યા બાદ ટેક્નોલોજીની મદદથી રબર પ્રિન્ટ બનાવતા અને રેશનીંગ ધારકોનુ અનાજ બારોબાર વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી હતી.
આ ષડયંત્રનો માસ્ટર માઈન્ડ 3 આરોપીમાંથી ભરત ચૌધરી છે. અગાઉ રેશનીંગના ખોટા બિલ બનાવી અનાજનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ છેલ્લા આઠ મહિનાથી બનાવટી રબર પ્રિન્ટના આધારે અનાજનું કૌભાંડ કરવા લાગ્યો હતો.
ભરત ચૌધરી એક રબર પ્રિન્ટ 15 રૂપિયામાં તૈયાર કરી દુકાનદારોને 300 થી 700 રૂપિયામાં વેચાણ કરતો હતો. ભરત મોટાભાગે ભુજ, ભચાઉ, ભાભર, જુનાગઢ સહિતના અંતરિયાળ જીલ્લાઓના રેશનીંગ ધારકોનો ડેટા મેળવી કૌભાંડ આચરતો હતો. આ કૌભાંડ માટે બનાવટી ચિપ્સ કેવી રીતે બનાવવી તેની માહિતી youtubeપરથી મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમે આરોપીઓ પાસેથી 2 નંગ લેપટોપ ,1 નંગ CPU મોબાઇલ ફોન રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અન્ય વસ્તુઓ કબજે કરી છે. જેના આધારે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આરોપીઓએ હરિયાણામાં સરકારી યોજનાના નામે 20,000 લોકોનો ડેટા એકઠો કર્યો હતો. તેમજ બે વેબસાઈટ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી હતી. તે ઉપરાંત જય ભારત તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નામની બનાવટી વેબસાઇટ બનાવી તેના આધારે ડેટા એકઠો કરતા હતા.
પોલીસે 1300 જેટલી ફિંગર પ્રિન્ટ તેમજ રબર પ્રિન્ટ બનાવવા ઉપયોગમાં લેવાતો માલ સામાન કબજે કર્યો છે. આ ઉપરાંત આરોપીએ 50 હજાર કરતાં વધુ રબર બાયોમેટ્રિક પ્રિન્ટ બનાવી દુકાનદારોને વહેંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અનાજનાં ડિજિટલ કૌભાંડમાં અન્ય કેટલા આરોપીની સંડોવણી સામે આવે છે. તે જોવું મહત્વનું છે.