અમદાવાદ: ખાડિયા વિધાનસભા બેઠકથી કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી દાણીલીમડા, જમાલપુર, સુએજ ફાર્મ, નારોલ સહિતના રેડ ઝોન વિસ્તારમાં આવેલા ઓદ્યોગિક એકમો શરૂ કરવા મુદ્દે યોગ્ય ગાઈડલાઈનની માગ કરી હતી.
કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે, તેમના મત વિસ્તારમાં ઘણા ઓદ્યોગિક એકમો, ફેક્ટરી અને કારખાના આવેલા છે. અહીં મોટી સંખ્યામાં શ્રમિકો અને મજૂરો કામ કરે છે. તેમને ધંધો રોજગાર મળી રહે અને જીવન આગળ વધે તેના માટે રાજ્ય સરકાર રેડ ઝોનમાં આવેલી ઓધોગિક એકમો શરૂ કરવા બાબતે નીતિઓ ઘડે અને વહેલી તકે શરૂ કરે તેવી માગ કરી હતી.
નોંધનીય છે કે, નારોલ, દાણીલીમડા, ચંડોળા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો રહે છે, જે ત્યાં ફેકટરી અને અન્ય એકમોમાં કામ કરે છે. લૉકડાઉન જારી કરાયા બાદ ફેકટરીઓ અને કારખાના બંધ હોવાથી તેમને ખાવવા-પીવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખેડાવાલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે મોત થાય છે અને ત્યાં સારવારમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે તેવા આક્ષેપ સાથે પણ CMને પત્ર લખ્યો હતો. જમાલપુર વિસ્તારમાં વધતા કોરોનાના કેસને લઈને તેમણે પત્રમાં ચિંતા વ્યક્ત કરી હતી.