અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી આજે ICC વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. પ્રથમ મેચ ન્યૂઝિલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બપોરે 2:30 કલાકે રમાવાની છે. ભારતમાં આયોજિત વર્લ્ડ કપમાં ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હરિયાણા, બિહાર જેવા અલગ અલગ રાજ્યના ક્રિકેટ પ્રેમીઓ આવી પહોંચ્યા છે.
બિહારથી આવેલ ક્રિકેટ ફેનઃ બિહાર રાજ્યમાંથી અમદાવાદ ખાસ લાઈવ મેચ જોવા માટે ગણેશ નામના યુવાને ત્રણ દિવસની મુસાફરી કરી છે. ગણેશને ક્રિકેટ પ્રત્યે બેહદ લગાવ છે. તેઓ ક્રિકેટના ક્રેઝને લઈને વર્લ્ડ કપની પ્રથમ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવ્યા છે.
અમદાવાદમાં પ્રથમ મેચ જોવા આવ્યા છીએ તેથી ખૂબ સારુ અનુભવાઈ રહ્યું છે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને હું મેચ જોઈશ તે મારા માટે ખૂબ જ રોમાંચક છે. અમે અમદાવાદ પહોંચવા માટે ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળ્યા હતા. વર્લ્ડ કપની આ પ્રથમ મેચ પહેલા અમે ઓપનિંગ સેરેમનીને પણ એન્જોય કરીશું. આ પ્રથમ મેચ ઉપરાંત ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ અને ફાઈનલ મેચ પણ લાઈવ જોઈશું...ગણેશ(ક્રિકેટ પ્રેમી, બિહાર)
હરિયાણાથી આવેલ ક્રિકેટ ફેનઃ હરિયાણા રાજ્યમાંથી જ્યોતિ મલ્હોત્રા નામના ક્રિકેટ ફેન વર્લ્ડ કપની પ્રથમ મેચ લાઈવ જોવા અમદાવાદ આવ્યા છે. તેઓ નરેન્દ્ર્ મોદી સ્ટેડિયમ પહોંચીને બહુ રોમાંચિત થયા છે. જ્યોતિ મલ્હોત્રા ગુજરાત રાજ્યને એકદમ સ્વચ્છ અને સુરક્ષિત માની રહ્યા છે. તેથી જ તેમનો ક્રિકેટ ક્રેઝ તેમણે હરિયાણાથી છેક ગુજરાત સુધી લઈ આવ્યો છે. તેમણે પણ આ મેચ લાઈવ જોવા માટે લાંબા અંતરની મુસાફરી ખેડી છે.
હું ખૂબ જ એક્સાઇટેડ છું. હું ખૂબ દૂરથી આવું છું. મારા અહીં આવવાનું મુખ્ય કારણ વર્લ્ડ કપની મેચ છે. મેચના પરિણામ બાદ મને ખબર પડશે કે મારુ અહીં આવવું કેટલું સાર્થક રહ્યું છે? વર્લ્ડ કપ જોવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ હતી અને આજે ઓપનિંગ મેંચ લાઈવ જોવાની ખૂબ જ ઈચ્છા હતી. સ્ટેડિયમની બહારથી જ મને અત્યારે પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય એકદમ સાફ અને સુરક્ષિત છે...જ્યોતિ મલ્હોત્રા(ક્રિકેટ પ્રેમી, હરિયાણા)