અમદાવાદ: નારોલમાં રીસામણે ગયેલી પત્નીના ઘરે જઈને પતિએ તેની હત્યા કરી હતી. નારોલ વિસ્તારમાં રહેતા બેબી બેન ઉર્ફે હેતલ દંતાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓની નાની બહેન સીમાના લગ્ન વિજય દંતાણી સાથે થયા હતા. તેને પતિ સાથે મનમેળ ન આવતો હોય છેલ્લા 7-8 મહિનાથી તે રિસાઈને માતાના ઘરે રહેવા માટે આવી હતી.
ક્યારે બની ઘટના: 7 સપ્ટેમ્બર 2023 ના રોજ ફરિયાદી તેઓના પતિ અને બાળકો સાથે ઘરે હાજર હતા. ત્યારે બપોરના સમયે વિજય દંતાણી ત્યાં આવ્યો હતો અને સીમા રિસાઈને માતાના ઘરે આવી ગઈ હોય તે બાબતે પતિ પત્ની વચ્ચે બોલા ચાલી ઝઘડો થતો હોય બંને ઝઘડતા હતા. જે બાદ બંને પીરાણા રોડ ઉપર એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ પર ઝઘડતા ઝઘડતા જતા હતા. તે દરમિયાન ફરિયાદી અને તેઓના પતિ છોડાવવા માટે ગયા હતા અને તે સમયે સીમાના પતિ વિજય દંતાણીએ પોતાની પાસે રહેલી છરી દ્વારા સીમાને શરીરના ભાગે ઉપરા છાપરી હુમલાઓ કર્યા હતા.
પતિ સામે ગુનો દાખલ: જેના કારણે સીમા લોહી લુહાણ હાલતમાં નીચે ઢળી પડતા 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા અંતે આ સમગ્ર બાબતને લઈને વિજય ઝેણાભાઈ દંતાણી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે ઝોન 6ના ઈન્ચાર્જ DCP સફિન હસને જણાવ્યું હતું કે આ ઘટના બાદ નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ઘરેલુ ઝઘડાના કારણે પત્નીની હત્યા કરી છે. હાલ તેની વધુ તપાસ ચાલી રહી છે.