અમદાવાદ: અમદાવાદમાં 100 તોલા દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે મહિલા પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે. પરણીતાના પિયર પક્ષે પતિના ઘર પર હુમલો કર્યો હતો જેનો વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ પણ નોંધી છે. આ અંગે અલગ અલગ 2 ફરિયાદ નોંધાઈ છે.
સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ: રાણીપ વિસ્તારમાં લાકડીઓ સાથે આવેલા શખ્સોએ મહિલાના સાસરીમાં હુમલો કર્યો જેનો વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી છે. ઘટનાની વાત કરીએ તો મહિલા પોલીસે ઝડપેલાં આરોપી પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો જેના કારણે પત્ની રિસાઈને પિયર પહોંચી ગઈ હતી. દીકરીની હાલત જોઈને પિયર પક્ષ લાકડીઓ સાથે સાસરી પક્ષમાં પહોંચી ગયા અને હુમલો કરી દીધો. જેમાં સસરા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરિણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
'આ અંગે મહિલાની ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. હાલ મહિલાના આક્ષેપને લઈને મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ તપાસ ચાલી રહી છે.' -મિત્તલ ભેટારિયા, PI, મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન
સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યના આક્ષેપ: પતિ પત્નીના ઝઘડામાં અરજી કરીને સમાધાન કરાવનાર મહિલા પોલીસે આ કેસમાં અરજી લીધા બાદ બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધી છે. આનાકાની કરતી મહિલા પોલીસે આ કેસમાં તપાસ વગર ખોટી ફરિયાદ નોંધી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ પરણીતાએ આક્ષેપો કર્યા તેનો પતિ દહેજની માંગ કરીને માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં તેની સાથે અવારનવાર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હેરાન કરતો હતો અને તેના સસરા પણ વંશ વધારવા પુત્ર માટે મહેણાં ટોણા મારતા હતા. બીજી તરફ મહિલાના પતિના પરિવારે આક્ષેપ કર્યો છે કે મહિલાના પિતા ગામના મોટા ભુવાજી છે. જેથી પોલીસમાં ખોટી ફરિયાદ કરીને હેરાન કરે છે.