અમદાવાદ: આજના સોશિયલ મીડિયાના જમાનામાં દૂર રહેતા અને અજાણ્યા લોકો પણ એકબીજાની પાસે આવી જતા હોય છે. સોશિયલ મીડિયામાં વિવિધ સાઇટ્સ થકી વાર્તાલાપ અને ચેટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડવું એ હવે સામાન્ય બાબત છે પરંતુ સોશિયલ મીડિયા થકી થયેલા પ્રેમ સંબંધોમાં પણ લોકોને દગો મળતો હોય છે. એવો જ એક કેસ અમદાવાદની ફેમિલી કોર્ટમાં સામે આવ્યો છે.
તપાસ કરતા થયો ખુલાસો: લગ્નના અમુક સમય પછી યુવતી દ્વારા ઈટલીમાં જવાની પ્રોસેસ માટે પતિને વારંવાર પૂછ્યું હતું. પરંતુ તેમ છતાં પણ પતિ તરફથી કોઈ જવાબ આવતો ન હતો. પત્ની દ્વારા અનેકવાર સંપર્કનો પ્રયત્ન કરવા છતાં પણ કોઈ જવાબ આપવામાં ન આવતા યુવતીને શક ગયો હતો. ત્યારબાદ તેણે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તેનો પતિ ત્યાં લિવ ઇન રિલેશનશિપમાં કોઈ બીજી યુવતી જોડે સંબંધ ધરાવે છે.
સાસરીયા તરફથી ન મળ્યો સહકાર: પત્નીને આ વાતની જાણ થતા જ તેણે પોતાના સાસરિયામાં પણ આ વાતની જાણ કરી હતી પરંતુ સાસરીયા તરફથી કોઈ પણ પ્રકારનું સહયોગ મળ્યો ન હતો. ઉલ્ટાનું તેઓ યુવતીને હેરાન પરેશાન કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે અરજદારના વકીલ તપસ્વી રાવલે જણાવ્યું હતું કે, યુવતીને પતિના આ દગાખોરીની જાણ થતાં જ પત્ની દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવતીના સાસરીયા તરફથી પણ દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું. મહત્વનું છે કે પતિ અને પત્નીના પહેલા લગ્ન થયા હતા અને આ બંનેના બીજા લગ્ન હતા.
પતિ તરફથી કોર્ટમાં રજૂઆત: આ કેસમાં પતિ તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરાઈ હતી કે તેના અને તેની પત્ની ના લગ્ન કાયદેસર ગણી શકાય નહીં. કારણ કે તેની પત્નીના પહેલા લગ્ન હજુ ચાલુ છે માટે તેને કોઈપણ પ્રકારનું ભરણપોષણ મળે નહીં. આ સાથે જ આ લગ્ન કાયદેસર નથી માટે તે કોઈપણ પ્રકારના સંબંધથી આ કેસ યોગ્ય નથી. પતિ દ્વારા કરવામાં આવેલા આક્ષેપની સામે, યુવતી તરફથી તમામ પુરાવાઓ અને ડોક્યુમેન્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, અમારા બંનેના લગ્ન તમામ રીતરિવાજો અને કાયદેસર રીતે થયા હતા.
આ પણ વાંચો Gujarat High Court News : ડોક્ટર અતુલ ચગના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી, સોમવારે સુનાવણી થશે
કોર્ટનું મહત્વનું અવલોકન: આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ કોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે, પતિ અને પત્નીના લગ્ન કાયદેસર રીતે તમામ રીતરિવાજોથી થયેલા છે. પતિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે તદ્દન ખોટો છે. કારણ કે પત્નીના પહેલા થયેલા લગ્નના છૂટાછેડાના ડોક્યુમેન્ટ યોગ્ય છે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: જયસુખ પટેલની સામે ચાર્જશીટ, સુરક્ષા તપાસ વગર જ બ્રીજ ખોલી દીધો
ભરણપોષણમાંથી છટકી શકાય નહિ: નોંધનીય છે કે કોર્ટે આ દાવાને ફગાવતા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખ્યા હતા. કોર્ટે ચુકાદો આપતા નોંધ્યું હતું કે, પત્નીના પહેલા લગ્ન હજુ ચાલુ છે તેથી આ લગ્ન કાયદેસર નથી એવા આક્ષેપથી પતિ ભરણપોષણમાંથી છટકી શકે નહીં. તમામ પુરાવા અને વિગતોને જોતા સ્પષ્ટ થાય છે કે પછી પતિએ કરેલો આ દાવો ખોટો છે. તેમના તેમના લગ્નએ કાયદેસર છે તેથી પત્નીને દર મહિને વચગાળાનું 25, 000 નું ભરણપોષણ આપવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.