ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનું નિશાનએ રાષ્ટ્રની સુરક્ષા અને રાજ્યની જનતાની સલામતી માટે ગુજરાત પોલીસના તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી અવિરત સેવાઓનું સન્માન છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખી રાજ્યને પોલીસે જે સલામતી અને સુરક્ષા પૂરી પાડી છે. તેને કારણે જ હવે વૈશ્વિક કક્ષાની સમીટ અને બેઠકો ગુજરાતમાં થઇ રહી છે. ઉદ્યોગપતિઓ દ્વારા પણ ઔદ્યોગિકરણ માટે સલામત એવા ગુજરાતને પ્રાથમિકતા અપાતા રાજ્યએ આર્થિક ક્ષેત્રમાં પણ ખુબ જ પ્રગતિ કરી છે. ગુજરાત પોલીસે રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખી રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
જાડેજાએ ઉમર્યું હતું કે રાષ્ટ્રપતિનું નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે. નિશાનએ રાષ્ટ્રની સેવામાં કોઈપણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી ફરજ અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે. 15 ડિસેમ્બર 2019ના રોજ ગુજરાત પોલીસ દળ આ સન્માનથી સન્માનિત થતું 7મું રાજ્ય બનશે. જેમાં હાલ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. 15 ડિસેમ્બર 2019ના રોજ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાનારી સેરેમોનિયલ પરેડમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કરશે. આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે.