અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન હદમાં આવતા શીલજ પલોડીયા રોડ પર પલોડીયા ટેકરા નજીર એક કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી એક બાઈક પર જતા યુવકને પાછળથી ટક્કર મારીને અકસ્માત કર્યો હતો અને અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ જતા આ મામલે બોપલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
હિટ એન્ડ રનની ઘટના: સાણંદમાં રહેતા વિષ્ણુભાઈ રબારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓનો નાનો ભાઈ રાજુ રબારી ખાનગી નોકરી કરતો હતો. 15 જુલાઈ 2023 ના રોજ રાતના સાડા અગિયાર વાગે તેઓને નાના ભાઈના ફોનથી ફોન આવ્યો હતો અને અજાણ્યા વ્યક્તિએ રાજુ રબારીનું પલોડીયા ટેકરા પાસે અકસ્માત થયુ હોવાનું જણાવતા અને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં રાજુ રબારીની સારવાર ચાલુ હતી, તેને છાતીના અને પેટના ભાગે અને બન્ને હાથ પર ઈજાઓ થઈ હતી. જેમાં સારવાર દરમિયાન રાજુ રબારીએ ફરિયાદી વિષ્ણુ રબારીને જણાવ્યું હતું કે તે નોકરી પુરી કરીને રાચરડા મોટર સાયકલ પર જતો હતો, જે દરમિયાન રાતનાં સમયે પલોડીયા ટેકરા પાસે અચાનક પાછળથી એક વાહન ચાલકે ટક્કર મારી હતી. જેથી તે નીચે પડી જતા ઈજાઓ થઈ હતી.
યુવકનું મોત: જે બાદ 24મી જુલાઈએ સારવાર દરમિયાન રાજુ રબારીનું મોત થતા આ મામલે અંતે બોપલ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના સમયની આસપાસનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, તેવામાં બોપલ પોલીસે આ મામલે IPC ની કલમ 279,337.338,304 (A), તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177,184,134 (B) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાર ચાલકની શોધખોળ: આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ એ.પી ચૌધરીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી કાર સીસીટીવી અને અન્ય પુરાવાઓ એકત્ર કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.