અમદાવાદ : બગોદરા ધંધુકા હાઇવેના ધીંગડા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બેફામ અને ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી રહેલા ટ્રેલર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિ-પત્ની બન્નેનું ઘટનામાં કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
અકસ્માત ઘટના સર્જાતા ધીંગડા ગામના પૂર્વ સરપંચ અને અન્ય ગ્રામજનો દોડી ગયા હતા. આ ઘટના સંદર્ભે બગોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ બગોદરા પોલીસ મથકના PSI પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બગોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બગોદરા ધંધુકા હાઇવેના ધીંગડા ગામ પાસે બુધવારે સાંજના સુમારે બગોદરાથી ધંધુકા તરફ જઈ રહેલા ટ્રેલર નંબર GJ 12 Z 2031ના ચાલકે બેદરકારી અને ગભરાટ ભર્યા રીતે ડ્રાઇવિંગ કરતા બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું, ત્યારે આ દંપતીને ટ્રેલરચાલક 400 મીટર સુધી ઘસડી ગયો હતો. અકસ્માત ઘટનાને કારણે પતિપત્નીના શરીર ઉપરથી ટેલર ફરી વળતા શરીર જકડાઈ ગયા હતા. આ ઘટનાને નજરે નિહાળતા લોકોના કાળજા થંભી જાય તેવી કરુણતા ભરી ઘટના સર્જાઇ હતી.

આ અકસ્માત ઘટનામાં મૃત્યુ પામેલા દંપતિ અમદાવાદના સરખેજથી નીકળી પોતાના વતન બોટાદ જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના સર્જાઇ હતી. અકસ્માત ઘટના સ્થળેથી બગોદરા પોલીસે બન્ને મૃતદેહોને સામુહિક આરોગ્ય કેન્દ્ર, બગોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકચાલક ભીખુભાઈ અને નીતાબેન બોટાદના રહેવાસી છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બગોદરા પોલીસ સ્ટેશનના PSI વધુ તપાસ ચલાવી રહ્યા છે.