અમદાવાદ : રાજ્યમાં હવે અશાંતિ ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હાઇકોર્ટ હવે રાજ્યમાં જે લોકો પણ અશાંતિ ફેલાવવાનું કામ કરશે તેવા તમામ લોકો સામે હાઇકોર્ટ સુઓમોટો અરજી દાખલ કરશે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં આવેલી જાહેર સંપતિ, જાહેર કાર્યક્રમોમાં કે પછી ધાર્મિક મેળાવડાઓમાં કે કોઈપણ પ્રકારના કાર્યક્રમોમાં જો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તેમની સામે તાત્કાલિક ધોરણે હાઇકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
અશાંતિ ફેલાવનારા લોકો સામે હાઇકોર્ટ કરશે કડક કાર્યવાહી : છેલ્લા ઘણા સમયથી દેશમાં અને રાજ્યમાં વિવિધ બનેલા અશાંતિના કેસો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા હતા. જેમાં સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલા જ જજમેન્ટ આપ્યું હતું કે, અશાંતિ ફેલાવનારી ઘટના કે પોલીસ ને લગતી કોઈપણ બાબત હોય ત્યારે આવા કેસો ધ્યાને આવશે તેને હાઇકોર્ટ હવે સુઓમોટો અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે આપેલા આ આદેશ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે હવે આ બાબતે ગંભીર મુદ્દો ગણીને જે કોઈપણ રાજ્યની શાંતિ દોડવાનો પ્રયાસ કરશે તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવશે.
જાહેર કાર્યક્રમો યોજવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે : આ આદેશ પ્રમાણે ટૂંક સમયમાં જ રાજ્યમાં પોલીસ રિડ્રેસલ ફોરમ બનાવવામાં આવશે. જેમાં પોલીસે દરેક જાહેર સભાઓ અને જાહેર કાર્યક્રમમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની રહેશે તેમ જ જો કોઈપણ અશાંતિના બનાવો બને છે તો તેમાં પોલીસ પાસે રહેલી તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, પહેલા કોઈ પણ જાહેર સભાઓ કે જાહેર કાર્યક્રમો થતા હતા તો તેમાં પ્રાથમિક રીતે પોલીસને ઇન્વોલ થતી હતી, પરંતુ હવે કોઈ પણ જાહેર કાર્યક્રમોને યોજવા માટે સીધી રીતે પહેલા પોલીસની મંજૂરી લેવી પડશે અને ત્યારબાદ જ કોઈ પણ કાર્યક્રમ કરી શકશે. આ આદેશ પરથી સ્પષ્ટ થાય છે કે, હવે કોઈપણ પ્રકારના રાજ્યમાં અશાંતિના બનાવ બનશે તો તેમાં હાઇકોર્ટ સીધેસીધો હસ્તક્ષેપ કરશે.
કડકમાં કડક કાર્યવાહી કરીને તેમને સજા આપવામાં આવશે : અત્રે એ નોંધનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમોમાં અશાંતિ દોડવાનો પ્રયાસ થયો હતો એ તમામ બાબતોને પણ હાઇકોર્ટ ધ્યાને લઈ શકે છે અને તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ત્યારે હવે જો કોઈ પણ રાજ્યમાં કે શહેરોમાં તોફાનો કરવાનો પ્રયાસ કરશે કે પછી ઉપદ્રવ મચાવશે તો તેમની સામે હવે કડકમાં કડક કાર્યવાહી કરીને તેમને સજા આપવામાં આવશે.