ધરમપુરના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટે વેપારી મુકેશ મોદી નામના આરોપીને વલસાડ, નવસારી, ડાંગ, સુરત ગ્રામ્ય અને દમણ સેલવાસ સહિત એક સાથે પાંચ જિલ્લામાંથી તડીપાર કરતો હુકમ ફરમાવ્યો હતો. જેથી આરોપીએ આ હુકમ સામે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. ત્યારે હાઈકોર્ટના જસ્ટીસ એ.વાય. કોગ્જેએ તડીપારી હુકમમાં યોગ્ય કારણો દર્શાવવામાં ન આવ્યા હોવાથી મેજીસ્ટ્રેટના આદેશને રદ જાહેર કર્યો છે.
અરજદારના વકીલ પિયુષ બસેરીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપી વલસાડ જિલ્લાનો વતની છે અને તેની ગુનાહિત પ્રવૃતિઓ માત્ર વલસાડ જિલ્લા સુધી પુરતી હોવાથી તેને 4 અન્ય જિલ્લામાં તડીપાર જાહેર કરી શકાય નહિ. આરોપી વિરૂદ્ધ દાખલ ત્રણેય ગુના પૈકી એકમાં તેને કોર્ટે નિર્દોષ છોડ્યો છે, બીજામાં હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને અન્ય એક ગુનામાં આરોપી વિરૂધ પુરાવા મળી આવ્યા નથી.
આ મુદ્દે સરકારી વકીલે રજુઆત કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીના ગુનાહિત ઈતિહાસમાં તમામ તથ્યો અને સાક્ષીઓની જુબાનીના આધારે ધરમપુર મેજીસ્ટ્રેટે આ હુકમ કર્યો હોવાથી તે યોગ્ય છે અને તેમાં કોઈ હસ્તક્ષેપ કરવામાં ન આવે. વલસાડ અને આસપાસના વિસ્તારમાં શાંતિ અને કાયદો–વ્યવસ્થા જળવાય તેના માટે આ હુકમ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે પોલીસ એક્ટની સેક્શન 56 પ્રમાણે આરોપીના ગુનાહિત પ્રવૃતિ ધરાવતા વિસ્તાર સિવાયની જગ્યા પર સતાધીશ તડીપારીનો હુકમ જારી કરી શકે છે. જો કે, આ કેસમાં મેજીસ્ટ્રેટે કારણો રજુ ન કર્યા હોવાથી મેજીસ્ટ્રેટના આદેશને રદ જાહેર કરાયો છે.