સુનાવણીમાં જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ ગૌરવ પંડયાના વકીલને સવાલ કર્યો હતો કે, એક જ અરજદાર દ્વારા બે પિટિશન કરવામાં આવી છે. બન્નેની રજૂઆત, માગણી અને કારણો સરખા જ છે. એક પિટિશનમાં માત્ર એસ. જયશંકર પ્રતિવાદી છે અને બીજીમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોર પ્રતિવાદી છે. એક જ સરખી બે પિટિશન કઇ રીતે ટકવાપાત્ર છે. ત્રીજી સુનાવણીમાં પણ કોંગ્રેસ દ્વારા બન્ને પિટિશન કઈ રીતે ટકવાપાત્ર છે તે અંગે રજૂઆત કરવામાં આવી છે.
ગૌરવ પંડયાએ જવાબમાં રજૂઆત કરી હતી કે, "એસ. જયશંકર સામે ચૂંટણી લડયા છે અને હાઈકોર્ટ જો ટ્રાયલના અંતે એસ. જયશંકરની ચૂંટણી રદબાતલ ઠેરવે તો હાઇકોર્ટ, એસ. જયશંકર, ચૂંટણી પંચ કે અન્ય કોઇ પક્ષકાર એવો વાંધો ઉઠાવી શકે છે કે જુગલજીની ચૂંટણીને પડાકરવામાં જ આવી નથી. આ ઉપરાંત ચૂંટણી પિટિશન 45 દિવસની સમયમર્યાદમાં કરવાની હોય છે. તેથી ટ્રાયલના અંતે બીજી પિટિશન કરવાની પણ જોગવાઈ રહેતી નથી.
પાંચમી જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો. ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી છે. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં તેણે એસ. જયશંકરની જીત પડકારી છે, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી છે અને ત્રીજી પિટિશમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી છે. આ પિટિશનો એક જ જજ સમક્ષ મૂકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા શુક્રવારે આ સાતેય પિટિશનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મૂકવામાં આવશે. જેમાં આ પિટિશનો ટકવાપાત્ર છે કે નહીં તે અંગે રજૂઆતો કરવામાં આવશે.