આ કેસના અન્ય 3 આરોપી ભાવેશ પટેલ, મનીષ વાઘેલા અને કિશન મહંતીએ જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અગાઉ રિટ દાખલ કરી હતી. જેમાં કોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી હતી. આ તમામ આરોપીઓની જામીન અરજી પર અગામી દિવસોમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની શક્યતા વ્યકત કરવામાં આવી હતી.
આ સમગ્ર દુર્ઘટનામાં કુલ 6 આરોપીઓ પૈકી સંચાલક ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ અને તુષાર ચોકસી દ્વારા નીચલી કોર્ટના આદેશને પડકારી જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. અગાઉ સેશન્સ કોર્ટના જજ વી.જે. કાલોતરાએ તમામની જામીન અરજી ફગાવી દીધી હતી.
સેશન્સ કોર્ટમાં જસ્ટીસ વી.જે. કાલોતરાની કોર્ટમાં સરકારી સુધીર બ્રહ્મભટ્ટે રજુઆત કરી હતી કે, સંચાલક ઘનશ્યામ પટેલે પાસે કોઈ ડિગ્રી નથી. SOPના નિયમ વિરૂદ્ધ એસેમ્બલ કરીને રાઈડ બનાવવામાં આવી હતી. મેનેજર તુષાર ચોક્સી અને યશ વિકાસ ઉર્ફે લાલાએ રાઈડનું સંચાલન કરવા બાબતે કોઈ જ પ્રકારની ટ્રેનિંગ લીધી નથી.
આરોપીઓની બેદરકારીને લીધે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. એટલું જ નહિ આરોપી યશ ઉર્ફે લાલો કે એન્જીનિયરની પોઝિશન પર કાર્યરત હતો. તેણે એન્જીનિયરિંગની કોઈ ડિગ્રી મેળવી નથી. FSL રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિસ્કવરી રાઈડની પાઈપ પણ કાટ ખાઈ ચૂકી હતી. જે સપષ્ટતા આપે છે કે તેનું રેગ્યુલર મોનિટરિંગ થતું નથી.
આ મુદ્દે આરોપીઓના વકીલ વતી એમ.જે પંચાલે રજુઆત કરી હતી કે, આરોપીઓ તદ્દન નિર્દોષ છે. આવી કોઈ દુર્ઘટના સર્જાશે એવી તેઓ જાણતા ન હતા. આરોપીઓએ જાણી જોઈને કોઈ કાવતરૂ ઘડ્યું નથી. પોલીસ FIRમાં આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 304 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જે ખોટી હોવાની આરોપીઓના વકીલે દલીલ કરી હતી. પંચાલ પ્રમાણે આરોપીઓએ જાણી જોઈને આવું કૃત્ય કર્યું નથી. જેથી તેમની વિરૂદ્ધ આઈપીસીની કલમ 304(A) મુજબ ફરિયાદ દાખલ કરવાની જરૂર હતી અને એ જામીનપાત્ર ગુનો છે.
ઉલ્લેખનીય છે કે, ગત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તુટી પડી હતી. જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, આશરે 20 ફુટથી વધારે ઉંચાઈથી રાઈડની નીચે પટકાતા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.