આ કેસમાં અરજદાર મંગલેશ ગાંધી રૂપીયા 2.17 કરોડની લોનની ભરપાઇ નહીં કરી શકતા નાણાકીય સંસ્થા આદીપ્ય બિરલા ફાયનાન્સ લિમીટેડએ તેમની મોર્ગેજ મુકેલી સંપત્તિને જપ્ત કરી તેના વેચીને નાણાની વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરતાં સમગ્ર મામલે કાનૂની જંગ શરૂ થયો હતો. આ લોનની ચુકવણી નહીં કરી શકતાં ફાયનાન્સ કંપનીએ ડિમાન્ડ નોટિસ ઇસ્યૂ કરી હતી. ત્યારબાદ સંપત્તિની પ્રતિકાત્મક કબ્જાની નોટિસ મોકલાઇ હતી. મેજીસ્ટ્રેટના આદેશથી આ સંપત્તિનો ફિઝીકલ કબ્જો પણ લેવામાં આવ્યો હતો અને અંતે આ સંપત્તિના વેચવા માટેની નોટિસ અરજદારને મોકલવામાં આવી હતી. જેની સામે અરજદારે ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલમાં 8મી જાન્યુઆરી 2019ના રોજ અરજી કરી હતી. જેમાં ટ્રીબ્યુનલે અરજદારની તરફેણમાં આદેશ કરી ફાયનાન્સ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને મોર્ગેજ પ્રોપર્ટીના કબ્જા માટેની કાયદેસરની પ્રક્રિયાનો હળાહળ ભંગ ગણાવ્યો હતો.
ટ્રીબ્યુનલના આદેશની સામે બેંકે એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. જે અપીલમાં ડેબ્ટ રિકવરી એપેલેટ ટ્રીબ્યુનલે ટ્રીબ્યુનલના આદેશને રદ કરતા ઠેરવ્યું હતું કે,‘અરજદારે કાયદા મુજબની 45 દિવસની સમયમર્યાદા બાદ ટ્રીબ્યુનલમાં અરજી કરી હોવાથી તે ટકી શકે તેમ નથી.’ એપેલેટ ટ્રીબ્યુનલના આદેશથી નારાજ થઇ અરજદારે હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી અને આદેશને રદ કરવા અને તેની અમલવારી સામે રોક લગાવવાની માગ કરી હતી.