ઇલેક્ટ્રોનિક કંપની માઇક્રોમેક્સ ઇન્ફોર્મેટિક્સ લિમિટેડને માર્ચ-૨૦૧૭માં ગુજરાતના વેટ એક્ટ હેઠળ રાજ્યના ટેક્સ વિભાગ દ્વારા ઓડિટની આકારણી અને પૂનઃમૂલ્યાંકન માટે નોટિસ આપવામાં આવી હતી. જો કે, કંપનીને આ ઇન્કવાયરી અને કાર્યવાહીના કારણો આપવામાં આવ્યા ન હતા. કંપનીએ વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાનના નાણાકીય દસ્તાવેજો અને વ્યવહારોની માહિતી ટેક્સ વિભાગને આપી હતી. ઓક્ટોબર-૨૦૧૮માં આકારણી બાદ સેલ્સ ટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશ્નરે કંપનીને ૧.૪૯ કરોડ રૂપિયાનો બાકી નીકળતો ટેક્સ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો.
જાન્યુઆરી-૨૦૧૯માં કંપનીએ હાઇકોર્ટમાં અપીલ કરી રજૂઆત કરી હતી કે, ટેક્સ વિભાગે ઇન્કવાયરી કે, બાકી નીકળતા ટેક્સનું કારણ કંપનીને જણાવ્યું નથી. તે દરમિયાન સેલ્સ ટેક્સ વિભાગે કંપનીની બેન્કને નોટિસ આપી આદેશ કર્યો હતો કે, ટેક્સની બાકી નીકળતી રકમ રીલિઝ કરવામાં આવે. આ સૂચના અંગે કંપનીને શરુઆતમાં કોઇ માાહિતી આપી ન હતી, પરંતુ થોડા દિવસો બાદ ટેક્સ વિભાગે આ રકમ બેન્ક પાસેથી રીલિઝ કરાવી લીધી હતી.