હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા નોંધ્યું હતું કે વર્ષ 2005ના જાહેરનામા મુજબ બસ કંપનીએ પોતે શાળાના બાળકોને લાવવા અને મુકી જવાનું કાર્ય કરે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે અને ત્યારબાદ સર્ટિફિકેટ RTO સમક્ષ રજુ કરવામાં આવે તો ટેક્સની નીકળતી રકમ સિવાયના નાણાં પરત કરી દેવાના રહેશે.
અમદાવાદની બ્રાઈટ સ્કૂલ સાથે સંકળાયલી બસ કંપનીએ આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેનો નિકાલ કરતા હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે અરજદારની કુલ ૪૦ બસો પૈકી જે ૧૪ મુક્ત કરવામાં આવી છે તેનો ટેક્સ રૂ. 3,33,000 થાય અને બાકી 26 બસોનો ટેક્સ રૂ.5,33,000 થાય. એમ કુલ રૂ. 8,66,000નો ટેક્સ ચુકવણી પાત્ર થાય. જયારે કે તેની સામે RTOએ ચાર ગણી વધુ રકમ વસુલી છે. તેથી આ કોર્ટ તમામ બસો તાત્કાલિક અસરથી છોડવાનો હુકમ કરે છે. ઉપરાંત અરજદારે પણ સરકારના જાહેરનામાં મુજબ સર્ટીફીકેટ આપવાનું રહેશે. RTOએ ટેક્સ અને પેનલ્ટી પેટેની ચોક્કસ રકમ માટેની આકારણીની કામગીરી પણ કરવાની રહેશે.
આ ઘટનામાં અરજદાર પાસે 44 બસો છે અને તે મોટાભાગે સ્કુલની કામગીરી સાથે જોડાયેલા છે અને તેમનો અમદાવાદની બ્રાઈટ સ્કૂલ સાથેનો આ માટેનો કરાર પણ છે. દરમિયાન RTOએ તેમની બસો જપ્ત કરી હતી અને તેમને વાહન ટેક્સ ચૂકવ્યો નહિ હોવાનું જણાવ્યું હતું. અરજદારે રૂ. 40 લાખ જમા કરીને 14 બસો છોડાવી હતી અને બાકીની બસો હજુ જપ્ત હતી. તેથી આ મામલે રિટ કરવામાં આવી હતી કે તેમની પાસેથી સ્કુલ બસ તરીકેનો ટેક્સ લેવામાં નથી આવી રહ્યો અને તેઓ ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા હોવાથી એ હેઠળનો ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેઓ સ્કુલનું જ કામ કરતા હોઈ ટ્રાન્સપોર્ટના વેપાર તરીકેનો ટેક્સ વસુલી શકાય નહિ. આ કેસમાં હાઈકોર્ટે બસોને સરકારી જાહેરનામા મુજબ સ્કુલ બસ ગણી ટેક્સની આકારણી કરવા અને બસોને છોડી દેવાનો હુકમ કર્યો છે.