અમદાવાદ: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 માટેના વિવિધ પદોની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી હતી. પ્રિલિમ પરીક્ષાનું જે પરિણામ આવ્યું હતું તેમાં વિસંગતતા જોવા મળી હતી. જેના કારણે પરીક્ષાથી વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમાંથી આજે બીજા 41 જેટલા અરજદારોની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી.
હાઇકોર્ટમાં પહોંચ્યો મામલો: આજે હાઇકોર્ટ સમક્ષ 41 જેટલા બીજા પરીક્ષાર્થીઓએ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં એડવોકેટ વકીલ વૈભવ વ્યાસ દ્વારા જીપીએસસી બહાર પાડેલી પ્રોવિઝનલ આન્સર કી અને ફાઈનલ આન્સર કી, તેમજ કટ ઓફ માર્કસ અને અરજદાર ઉમેદવારોએ મેળવેલ માર્ક્સની તમામ વિગતવાર માહિતી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. પરીક્ષાર્થિઓ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કુલ સાત જેટલા પ્રશ્નોના જવાબને ચેલેન્જ કરવામાં આવ્યા હતા.
'જે પણ પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવેલા છે તે બધા જ પ્રશ્નોના જવાબ ઉમેદવાર તરફથી સાચા હોય તેવું કઈ રીતે બની શકે? 7 થી 8 પ્રશ્નોના જવાબ સાચા હોય તેવો દાવો તો ભગવાન પણ કરી શકે નહીં તો તેમાં પરીક્ષાર્થી જ જવાબ કેવી રીતે નક્કી કરી શકે? આપણે સંભાવનાની દ્રષ્ટિએ જોઈએ તો ઉમેદવારોના અડધા પ્રશ્નોના જવાબ સાચા હોય તો પણ કોર્ટ બે કે ત્રણ માર્ક ખૂટતા હોય તેને જ મુખ્ય પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી શકે.' -જે.સી દોષી, જસ્ટિસ
શું છે સમગ્ર મામલો?: જીપીએસસીએ 8 જાન્યુઆરી વર્ષ 2023 ના રોજ વર્ગ 1 અને વર્ગ-2 માટે તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના કુલ 102 પદો ઉપર ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જીપીએસસી દ્વારા આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 11 જાન્યુઆરીના રોજ બહાર પાડી હતી અને 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પડાઈ હતી.
ગત મહિને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું: અત્રે નોંધનીય છે કે જીપીએસસી દ્વારા જે આ પરીક્ષા લેવામાં આવી હતી તેનું ગત મહિને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં કુલ 3806 જેટલાં પરીક્ષાર્થીઓને લેખિત પરીક્ષા માટે ક્વોલીફાઈ જાહેર કરવામાં આવ્યા હતા. આની મેઈન એક્ઝામ જૂન મહિનામાં લેવામાં આવશે.