અમદાવાદ: વર્ષ 2019 સુરત અગ્નિકાંડના મુખ્ય આરોપીઓ પૈકીના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરાગ મુનશી અને ડેપ્યુટી એન્જિનિયર હિમાંશુ ગજ્જરના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. 2019માં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગના બનાવ બાદ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બંને અધિકારીઓ સામે તક્ષશિલા આર્કેડને મંજૂરી આપવાનો આક્ષેપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંનેની સામે સાપરાધ મનુષ્યવધની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ તરફે પોતાના બચાવમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગૃડા કાયદા 2011 પ્રમાણે તક્ષશિલા આર્કેડના બાંધકામને મંજૂરી આપી હતી.
- તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં હાઈકોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા
- આ દુર્ઘટનામાં 22 જેટલા લોકોના મોત નીપજ્યાં હતા
- આ કેસમાં જુનિયર એન્જિનિયર અતુલ ગોરસાવાલના પણ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા
બિલ્ડિંગના બાંધકામના 6 વર્ષ બાદ તે ઘટના બની હતી. આગ શોર્ટ સર્કિટના લીધે થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ સમગ્ર કેસની વિગત એવી છે કે, તક્ષશિલા આર્કેડના ચોથા માળે આગ લાગવાની ઘટના બની હતી અને વાસ્તવમાં શોર્ટ સરકિટ ત્રીજા માળે થયો હતો. 2016માં ચોથો માળ ગેરકાયદેસર રીતે ઉભો કરાયો હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 22 જેટલા લોકોના મોત નીપજ્યાં હતા.