અમદાવાદઃ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન ઓર્ડર રી-કોલ અથવા રીવ્યુ કરવાની માગ સાથેની દાખલ કરાયેલી અરજી શુક્રવારે (17 જાન્યુઆરી) જસ્ટિસ જે.બી.પારડીવાલા અને એ.સી રાવની ખંડપીઠે ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.
હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, આ કેસના તથ્યોને રિપીટ કરવાની જરૂર નથી. વારંવાર તથ્યોને રજૂ કરવાથી સ્થિતિ વણસી શકે છે. દુર્ભાગ્યપણે પોલીસ અધિકારી અને પૂર્વ જજ પણ આ કેસમાં સંડોવાયેલા હોવાનું તારણ આપ્યું હતું.
સંજીવ ભટ્ટના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, આ કેસમાં કેટલાક તથ્યો રજૂ કરવાના બાકી હોવાથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉ અપાયેલા ઓર્ડરને રિવ્યુ કરવામાં આવે. જેથી વધુ તથ્યો અને હકીકત સામે આવી શકે.
આ મુદ્દે સરકારી વકીલ તરફથી આ દલીલ કરવામાં આવી કે, માત્ર સમરી રિપોર્ટ-A આધારે ઓર્ડર કરી શકાય નહીં. અરજદાર દ્વારા ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. આ કેસની ટ્રાયલ શરૂ કરવામાં વિલંબ કરવાના હેતુ સાથે આ પ્રકારની અરજી દાખલ કરવામાં આવતી હોવાની રજૂઆત કરી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 1996માં પાલીના લાજવંતી હોટલના રૂમ નંબર-306માં 1.15 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ સંજીવ ભટ્ટના ઈશારે મુકાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.