અમદાવાદ: રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે બે વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. ગઈકાલે કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસને લઈને રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાપાનેરી દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે માંગ કરવામાં આવી હતી. આ કેસમાં તાત્કાલિક સુનાવણી કરવામાં આવે એવી રાહુલ ગાંધીના વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા તાત્કાલિક સુનાવણીની માંગને ગ્રાહ્ય રાખવામાં આવી છે.
તાત્કાલિક પર સુનાવણીની માંગ: આ કેસ જસ્ટીસ ગીતા ગોપીના કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે તેમણે 'નોટ બીફોરમી' એટલે કે તેમણે આ અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. હવે આ કેસને લઈને એક્ટીંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ દ્વારા આ અરજી કોણ સાંભળશે તે નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ગઈકાલે આ અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવતા જ આજે સવારથી જ હાઇકોર્ટમાં અરજી માટેની રજીસ્ટ્રીમાં પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ તાત્કાલિક આ અરજી પર સુનાવણીની માંગ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર કેસ?: 2019 ના લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના પોલાર ખાતે જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોદી સમાજ અને ચોર જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં જે કૌભાંડો બહાર આવ્યા હતા. તેમાં મોટે ભાગે નીરવ મોદી અને લલિત મોદીના નામ સામે આવ્યા હતા. આ વાતને લઈને રાહુલ ગાંધીએ જાહેરમાં જ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓના નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદીઓ ચોર હોય છે આવા પ્રકારનું નિવેદન આપવાની સાથે જ મોદી અટક ધરાવતા સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો Modi surname defamation case: સેશન્સ કોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
28 એપ્રિલ સુનાવણી: સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસ સુરતની નીચલી કોર્ટમાં ચાલી રહ્યો હતો.જેમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા સુરતની સેશન્સ કોર્ટમાં આ ચુકાદાની વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. કે સુરતની સેશન કોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખતા આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ કેસને લઈને હવે આવતીકાલે અથવા તો 28 એપ્રિલ સુનાવણી હાથ ધરાવી શકે છે.
આ પણ વાંચો Lawrence Bishnoi: કયા ગુનાની તપાસ માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડ મળ્યા ?