રાજ્યના 100થી વધુ ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, બંધારણીય રીતે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરવાનો અધિકાર છે અને અધિકાર હેઠળ ગુજરાત સરકારે કેન્દ્રના જે કાયદો બદલ્યો તેમાં કાઈ ખોટું નથી. ભારત સરકારે બંધારણની કલમ 254 હેઠળ રાજ્યપાલની પરવાનગી લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કેટલાક કાયદા બદલી શકે છે. આ મુદ્દે વાતચીત કરતા ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીમાંથી પસાર થઈ રહ્યો છે એટલે કે એક કરતા વધારે રાજ્યોમાં પ્રોજેક્ટ અમલમાં છે, ત્યારે જમીન સંપાદન કેન્દ્ર સરકારના કાયદા મુજબ થવો જોઈએ જોકે અધધ વચ્ચે ગુજરાત સરકારને પોતે કરેલા જમીન સંપાદનનો અધિકાર નથી તેનો ભાન આવતા બંધારણની કલમ 258 હેઠળ કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડી કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો જમીન સંપાદનો અધિકાર કેન્દ્ર સરકારને આપી દીધો હતો.
હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થવાના 8 મહિના પછી કેન્દ્ર સરકારે સંપાદન મુદ્દે રાજ્ય સરકારને પાછલા અક્ષરે જે પરવાનગી આપી છે તેમાં કાંઈ પણ ખોટું નથી. કોર્ટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયાને યોગ્ય ઠારવી છે. એટલું જ નહિં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જમીન સંપાદનના વળતરની પ્રક્રિયા પણ યોગ્ય હોવાનું નોંધ્યું હતું. જોકે વળતર માટેના માર્ગ ખુલ્લા રાખ્યા છે. કોર્ટે ખેડૂતોના સામાજીક આંકલન અને પુર્નવાસનની રીતે અમલમાં ન લાવવાના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનના કેન્દ્ર સરકારના કાયદામાં અસરગ્રસ્ત ખેડૂતોમાં સામાજીક - આર્થિક મૂલ્યાંકન અને પુર્નવાસનની નીતિની જોગવાઈ છે.
જાણો શું છે જમીન વિવાદ મામલો
અમદાવાદ - મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી જેની સામે 100થી વધુ ખેડૂતોએ હાઈકોર્ટ રિટ દાખલ કરતા રજુઆત કરી હતી કે, સરકાર તેમને 2011ના જંત્રી પ્રમાણે 4 ગણી ચુકવી રહી છે. જ્યારે કાયદા પ્રમાણે જમીનના બજાર ભાવના પ્રમાણે રકમ ચુકવવામાં આવી જોઈએ. સરકાર દ્વારા 2011ની જંત્રી પ્રમાણે જે રકમ ચુકવવામાં આવી છે તે 10 કે 20 ગણી નહિ પરતું ક્યાંક તો બજાર ભાવથી 80 ગણી ઓછી હોવાનું સામે આવ્યું છે. પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો હોવાથી જમીન સંપાદન પ્રક્રિયા કેન્દ્ર સરકારના કાયદા મુજબ થવું જોઈએ. પરંતુ, ખેડૂતોને રાજ્ય સરકારે તેમના જમીન સંપાદનના કાયદા પ્રમાણે જંત્રીના 4 ગણી રકમ વળતર આપવાની જાહેરાત કરી છે.
ખેડૂતો ગુજરાત હાઈકોર્ટના ચુકાદો સામે સુપ્રિમ કોર્ટમાં જશે
ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ હાઈ-વે, ફ્રેઈટ કોરિડોર સહિતના અસરગ્રસ્ત ખેડૂતો જમીન સંપાદન મુદ્દે ખુબ જ નારાજ થયા હોવાથી આગામી સમયમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરશે. ગુજરાત હાઈકોર્ટમાં હાર થઈ છે. પરંતુ લડત ચાલું રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદનની નીતિ ખેડૂત વિરોધી છે. આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે, ભાજપની ખેડૂત વિરોધી માનસિકતાને લીધે ઉદ્યોગોને હજારો એકર જમીન પાણીના ભાવે આપવામાં આવે છે. ભાજપના રાજમાં ખેડૂતોના આપઘાતના કેસ વધ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનમાં ખેડૂતોને હાઈકોર્ટમાં ન્યાય ન મળ્યો હોવાથી અગામી દિવસોમાં સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરી શકે છે.