અરજદારે વકીલ કૌશલ જાની અને રોનિત જોય મારફતે હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશને 8મી જુલાઈ 2019ના રોજ પત્ર થકી જુડો સિવાયની કરાટે, કુરાશ સહિતની અન્ય રમતોમાં ભાગ લેતા ખેલાડીઓને જુડોની પ્રવૃતિઓમાંથી સસ્પેન્ડ કરી કાર્યવાહી કરાવાનો આદેશ બંધારણના મૂળભૂત અધિકારો વિરૂધનું છે.
પાટણ ખાતે યોજનારી ગુજરાત સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ભાગ લેતા અટકાવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદાર તરફે દાખલ કરાયેલી રિટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જુડો જેવી રમત કે અન્ય કોઈ રમતમાં ભાગ લેનારા ખેલાડીને જુડોમાં રમાડી શકાશે નહીં.
RTI દ્વારા મળેલી માહિતી પ્રમાણે, આ પ્રકારનો કોઈ જ નિયમ નથી. જુડો ફેડરેશન ઓફ ઈન્ડિયાના તાબા હેઠળ આવેલા ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન દ્વારા આ પ્રકારનો નિયમ મૂકવામાં આવ્યો છે. ગત જુલાઈ પહેલાં જુડો જેવી અન્ય રમતો રમતા ખેલાડીઓ જુડોની ચેમ્પિયનશીપમાં પણ ભાગ લઈ શકતા હતા.
ઉલ્લેખનીય છે કે, 6 જુલાઈ 2019ના રોજ જુડો ફેડરેશન ઓફ ઈન્ડિયાએ નિર્ણય કર્યો હતો કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરાટે, માર્શલ આર્ટ કે જુડો જેવી રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને જુડોની પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા દેવાશે નહિ. આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશને નિયમ બનાવ્યો હતો કે,આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશનની વલ્ડ રેકિંગ લિસ્ટમાં સ્થાન ધરાવતા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જુડો જેવી રમતોમાં ભાગ લઈ શકશે નહિ અને અન્ય રમતોમાં ભાગ લેવા માટે ફેડરેશન પાસેથી મંજૂરી લેવી પડશે. જુડો ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશન દ્વારા સંચાલિત છે.
પાટણ ખાતે 19મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી વચ્ચે યોજાનારી ગુજરાત સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા લાયક ખેલાડી કે જે નક્કી કરાયેલા ધારા-ધોરણ પ્રમાણે પંસદગી મેળવે છે. તેમને ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો વચગાળાનો આદેશ કરાયો છે.