અમદાવાદઃ હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે, દેશના ઉચ્ચ હોદ્દા પર બેસનાર લોકો વિશે હાર્દિક ટિપ્પણી કરતો હોવાથી તેને જામીન ન આપવામાં આવે. કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે, પાછલા પાંચ વર્ષમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કેમ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તેના જવાબમાં રાજ્ય સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, હાર્દિક તેના બંને એડ્રેસ પર મળી આવતો નથી અને એટલા માટે જ પાછલા 5 વર્ષથી તે પોલીસની પહોંચની બહાર છે.
આ મુદ્દે હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલા રજૂઆત કરી હતી કે, પાછલા પાંચ વર્ષથી હાર્દિક હાજર હતો, પરંતુ પોલીસે તપાસ માટે ક્યારેય બોલાવ્યો નથી અને અચાનક પાંચ વર્ષ બાદ પોલીસ તેની ધરપકડ કરવા માગે છે. FIRમાં IPCની કલમ 332 કે, ઉશ્કેરણીજનક નિવેદનો સામેલ કરવામાં આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી હિંસાના આરોપસર રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો. જેની ટ્રાયલમાં હાર્દિક ગેરહાજર રહેતા તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું હતું. હાર્દિકની ધરપકડ બાદ તમને કોર્ટે જામીન આપ્યા હતા. હાર્દિક જેલમાંથી બહાર આવે ત્યાં અન્ય એક કેસમાં સિદ્ધપુર પોલીસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં પણ સ્થાનિક કોર્ટે હાર્દિકના જામીન આપ્યા હતા.