અમદાવાદ: ભાઈ બહેનના પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. આવનારા દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અંધજન મંડળના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની રાખડી બનાવવામાં આવી રહી છે. આ રાખડીનું દર વર્ષે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હોય છે. અંધજન મંડળના બાળકો દર વર્ષે રાખડી વેચીને સારી ઈનક્મ કરે છે.
"આ તમામ રાખડી અંધજન મંડળના બાળકો બનાવી રહ્યા છે. જે બાળકો જોઈ શકતા નથી તેમજ સાંભળી શકતા નથી. તેમ છતાં દોરામાં મોતી અને આભલાં પરોવીને સુંદર મજાની રાખડી તૈયાર કરી છે.."--દિનેશ બહેલ (અંધજન મંડળના ઈન્સ્ટ્રક્ટર)
રાખડી તૈયાર કરવામાં આવી: વધુમાં જણાવ્યું હતું કે, માનસિક રીતે દિવ્યાંગ બાળકોઓએ ખાસ દોરાથી વિવિધ ડિઝાઇનના મોતી અને આભલાં પોરવીને અલગ અલગ પ્રકારની રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કંકુ ચોખા મુકવા માટે ખાસ બોક્સ પણ તૈયાર કરવામાં કરવામાં આવ્યા છે. આ વર્ષ બાળકો દ્વારા અંદાજે 1.50 લાખ રૂપિયાની રાખડી વેચાણ કરવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં 50 હજાર જેટલી રાખડી બનાવી વેચાણ માટે મૂકવામાં આવી છે.
વેસ્ટમાંથી બેસ્ટ: દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષે અલગ અલગ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ પણ બનાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત બાળકો પણ તમામ તહેવારોનું જ્ઞાન મેળવે તે માટે તમામ તહેવારો પણ ઉજવવામાં આવે છે. દિવાળી સમયે માટીના દીવા, નવરાત્રી વખતે ગરબાનો શણગાર, સિલાઈ કામ ભરત ગુંથણ જેવી વસ્તુઓ પણ તૈયાર કરતા હોય છે. જે વખતે તહેવાર આવતા હોય તેના બે દિવસ પહેલા પણ તમામ બાળકોને તે તહેવારનું મહત્વ શું છે તેનું જ્ઞાન આપવામાં આવે છે.