અમદાવાદ : ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શિયાળાની ઠંડી તેના મહત્તમ લેવલે હોય છે. ચાલુ વર્ષ શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ થયો હતો. જોકે બાદમાં ધીરે-ધીરે તાપમાન નીચે જતા ઠંડીમાં વધારો થયો હતો. ત્યારે રાજ્ય હવામાન વિભાગ દ્વારા તાપમાન અને વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ-છ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી. આ સાથે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નથી, તદુપરાંત ઠંડી પણ યથાવત રહેશે. ગત વર્ષ કરતા આ વર્ષે ડિસેમ્બર મહિનાનું તાપમાન વધુ હોવાથી આ વર્ષે ઠંડીની અસર સામાન્ય કરતાં ઓછી રહી છે.
ઓછી ઠંડીના કારણ : મનોરમા મોહંતીએ ઓછી ઠંડીના કારણો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2023 ના ડિસેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાને કારણે ઠંડીનો અનુભવ ઓછો થયો હતો. આ ઉપરાંત લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં વધુ ફર્ક ન હોવાને કારણે પણ ઠંડીની અસર ઓછી થતી હોય છે. ઠંડીનું ઓછું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગની અસર છે.
તાપમાન ઘટશે ? સમગ્ર રાજ્યમાં નીચેના સ્તરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ છે. તેના કારણે વહેલી સવારે ઠંડી પણ વધુ લાગે છે. બાદમાં તાપમાનમાં વધારો થતા અને સૂર્યપ્રકાશને કારણે દિવસ દરમિયાન ઠંડી ઓછી વર્તાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજયમાં વાતાવરણ યથાવત રહેશે અને વહેલી સવારે ઝાકળભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે.
અમદાવાદીઓ જોગ આગાહી : અમદાવાદ શહેર અને જિલ્લામાં તાપમાન અને વાતાવરણની માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 5-7 દિવસ સુધી અમદાવાદનું તાપમાન યથાવત રહેશે. ગઈકાલે અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.