અમદાવાદના પ્રહલાદ નગરમાં રહેતા રોહન હુંડિયાની નેશનલ જિયોગ્રાફી દ્વારા એમેઝોનના જંગલમાં રિસર્ચ કરવા માટે પસંદગી કરાઈ હતી. આ એ જ જંગલ છે જ્યાં રિસર્ચ કરવા માટે મોટા-મોટા નિષ્ણાંતો પણ કાગ ડોડે રાહ જોતા હોય છે. કારણ માત્ર એટલું જ છે કે, આ દુનિયાનું સૌથી મોટું જંગલ છે. જ્યાં દરેક પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ સહિત આદિવાસી લોકો વસે છે. અહીં પહોંચીને સંશોધન કરવું એ સામાન્ય વાત નથી, તેમાંય 20 વર્ષની ઉંમરે જ્યારે દુનિયાભરના યુવાનો PUB-Gમાં વ્યસ્ત છે ત્યારે આ યુવાન એમેઝોન જંગલમાં આઠ દિવસ રિસર્ચ કર્યું છે. વળી, આ પ્રથમ ભારતીય નવયુવાન છે જે 20 વર્ષની વયે એમેઝોનના જંગલમાં પહોંચ્યો છે. 11 લોકો વચ્ચે રહી રોહને સ્પાઈડર મન્કી (વાંદરા) સહિત અનેક પ્રાણીઓ પર શોધખોળ કરી છે.
રોહન સ્કોટલેન્ડમાં કમ્પ્યુટર સાયન્સ અને ન્યુરોલોજીસ્ટનો વિદ્યાર્થી છે. તે પોતાના આ અનુભવને ETV ભારત સાથે શેર કરતાં કહ્યું કે, 'મારા જીવનનો આ મહત્વનો અનુભવ સાબિત થયો છે, આ રિસર્ચ માટે મારૂ સિલેક્શન નેશનલ જિયોગ્રાફી દ્વારા કરવામાં આવ્યું છે. અહીં રિસર્ચ કરવા માટે હજારો લોકો એપ્લાય કરતા હોય છે. જેમાં તમામ લોકોએ 500 શબ્દોમાં પોતે શું રિસર્ચ કરશે તેના વિશે ઉંડાણપૂર્વક માહિતી આપવાની હોય છે. મેં જે રિસર્ચ માટેની નોંધ મોકલી હતી, તે માટે પહેલા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો, બાદમાં લખીને મોકલ્યું હતુ. આ સમયે મને વિશ્વાસ નહોતો કે હું અહીં સુધી પહોંચીશ. મને ફેબ્રુઆરીમાં બ્રાઝિલથી ફોન આવ્યો અને તેમાં તેઓએ જણાવ્યું કે તમારા રિસર્ચ માટેના કેટલાક અંશ અમને ખૂબ જ ગમ્યા છે. જેથી તેના પર તમારી સાથે રિસર્ચ કરવું ગમશે. તેમ કહી તેમણે મને એમેઝોનના જંગલમાં આવવા માટે આમંત્રણ આપ્યું'
રોહને આ તક ઝડપી લીધી. તે જાણતો હતો કે એમેઝોનના જંગલમાં રહેવું સરળ નથી, છતાંયે તેણે નિશ્ચય કર્યો કે તે એમેઝોનના જંગલમાં જશે અને પોતાના નિયત રિસર્ચ માટે મન લગાવી કામ કરશે. અહીં જંગલમાં જતાં પહેલા રોહેને મિલેટ્રી ટ્રેનીંગ લીધી, ત્યાંની જરૂરત મૂજબ કિટો ડાયટને અપનાવવું પડ્યું. રોહને તમામ જગ્યાએ ઉત્સાહ દર્શાવ્યો અને જંગલમાં પહોંચી ગયો.
આ રિસર્ચ કરવા માટે સાઉથ અમેરિકાની પરમિશન લેવી પડે અને એમેઝોનના જંગલમાં જવા માટે મેં અલગથી છ ટ્રાઈબલ ભાષા શીખી હતી. જેનાથી ક્યારે પણ અમે આદિવાસી વિસ્તારમાં જઈએ ત્યારે આ ભાષા કામ લાગે. કારણકે આ જંગલોમાં માનવભક્ષી આદિવાસી લોકો પણ રહે છે. તો એના માટે ભાષા શીખવી જરૂરી હતી અને અમે બધા એકબીજા સાથે SOSથી સંપર્કમાં રહેતા હતા. આ બધા માટે અમારી ટ્રેનિંગ પણ થઈ હતી, જેમાં બધું જ શીખવવામાં આવ્યું હતું.
એમેઝોનના જંગલમાં પહોંચ્યા બાદનો અનુભવ રોહન ETV ભારત સમક્ષ રજૂ કરતાં જણાવે છે કે, '25 મેથી રિસર્ચ ચાલુ થયું, જેમાં 6 વિશેષજ્ઞ હતા અને બાકીના લોકોને રિસર્ચ કરવાનું હતુ. જંગલમાં બધા જ પ્રકારના પ્રાણીઓ હોવાને કારણે, અમારી સલામતી ઉપરાંત બધાં પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તવુ અને કેવી રીતે ઓળખવા ઉપરાંત જરૂરીયાતના સમયે તેમનો સામનો કેવી રીતે કરવો તે માટે અમારી પાસે વિશેષ નિષ્ણાંતોની ટીમ મોકલવામાં આવી હતી.'
જમવાની સમસ્યા અંગે શું કહે છે રોહન...
જમવા અંગે પડેલી સમસ્યા અંગે રોહન કહે છે કે, 'હું પોતે શાકાહારી છું, જ્યારે ત્યાં મોટાભાગે માંસાહાર લોકોનું ભોજન હતું. સદનસીબે ત્યાં બ્રાઝિલ અને ત્યાંના ડાયરી ફળ ખાદ્યા છે. જંગલની બધી વસ્તુઓ ખાવાલાયક નહોતી, જ્યારે અમુક વસ્તુઓ ઝેરી પણ હોય છે. માંસાહાર ખાતા લોકોએ તો મારી નજર સામે જ સાપને કાપીને આહાર બનાવ્યો હતો અને રસ્તામાં સામે આવતા નાના જીવજંતુ પણ તેઓ સરળતાથી પકડીને મોઢામાં નાખી દેતા હતા.
તો રોહન અને તેની સાથેના અન્ય લોકો પરત ન આવ્યા હોત...
સામાન્ય જંગલો પણ જંગલી પ્રાણીઓ વચ્ચે ઘેરાયેલા હોય છે, ત્યારે દુનિયાના સૌથી મોટા જંગલની સ્થિતિની કલ્પના આપણે કરી જ શકીએ છે. અહીં રોહન અને તેની સાથેના નિષ્ણાંતો સહિત અન્ય સાથીઓનું જીવન જો અને તો વચ્ચે અટવાઈ ગયું હતુ. જંગલમાં મોતના મુખ સુધી પહોંચ્યા સુધીની પડેલી મુશ્કેલીઓ અંગે રોહન જણાવે છે કે, જમવા ઉપરાંત એક વખત અમે નદી પાર કરતાં હતા ત્યારે તેમાં મગર દેખાયો હતો, આ મગરને અન્ય કોઈએ જોયો નહોતો. ફક્ત અમારી સાથેના એક નિષ્ણાંતે જોયો હતો. તેમણે અમને સચેત કર્યા કે, જો તે આપણને જોઈ લેશે તો બચવાના કોઈ ચાન્સ નથી. તેને મારવાના ફક્ત બે ઉપાય છે, ક્યાં તો તેને જમીન પર ઉધોં કરી દેવો અથવા તેના શરીર પર વચ્ચે તલવાર મારવી. તેમ કહ્યાં બાદ આયોજનબધ્ધ રીતે નિષ્ણાંતે મગરના શરીર પર તલવાર મારી હતી.આ રીતે મગરને મારી નાખવામાં આવ્યો હતો. જેના કારણે અમારો જીવ બચી ગયો હતો. આ બાદ રસ્તામાં એક જગુઆર પણ મળ્યું હતુ. 8.5 મીટરના અંતરે રહેલા જગુઆરનું મુખ અન્ય દિશામાં હોવાના કારણે અમે બચી ગયા હતા.' જો આ બંને ઘટનામાં ક્ષણભરની કોઈ ચૂક થાત તો રોહન અને તેની સાથેના અન્ય લોકો પરત આવ્યા હોત કે કેમ? તે સવાલ બનીને રહી જાત, પરંતુ સદનસીબે અને ઈશ્વરની કૃપા આ પ્રકારના સાહસવીરો માટે હર હંમેશ વ્હારે આવે છે. તે વાત અહીં સાચી ઠરી છે.
કેવી હતી રોહનની રાત્રિની ઉંઘ?
રોહન પોતાની રાત્રિની ઉંઘ વિશે જણાવે છે કે, 'અમે તમામ લોકો રોજ સાંજે સાડા ચાર કલાકે પગ થંભાવી દેતા અને કોઈ વિશાળ વૃક્ષ શોધી લેતા. જેના પર 11 લોકો ઉંઘ લેતા હતા. વૃક્ષ પર 9.30 મીટર ઉપર ચઢી ત્યાં ઝાડની વેલ કે દોરડું વીંટાળીને સૂતા, જેથી નીચે પડવાનો ડર ન રહે.'
રાહ જુઓ આ રિસર્ચની ડોક્યુમેન્ટ્રીની...
આ રિસર્ચની ડોક્યુમેન્ટરી નેશનલ જ્યોગ્રાફી પર બે અઠવાડિયા બાદ રજૂ કરવામાં આવશે, કેટલાક નિયમોને કારણે ETV ભારત સંશોધન અંગે વધુ માહિતી આપી શકે તેમ નથી. પરંતુ આગામી દિવસોમાં નેશનલ જિયોગ્રાફીની સત્તાવાર વેબસાઈટ પર ટ્રેલર રજૂ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ્રી રજૂ થયાં બાદ ETV ભારત આપ વાચકો સમક્ષ રોહનના રિસર્ચ અંગે વધુ એક રસપ્રદ અહેવાલ લઈને આવશે.
અમદાવાદથી ઇશાની પરિખનો અહેવાલ...