અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાઓ 5 માર્ચથી 31 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાઈરસના કારણે તેની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન મોડું શરૂ કરવામાં આવ્યું હતું. જે કારણે પરિણામ આવવામાં પણ વાર લાગી હતી.
તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટ-20(ગુજરાત કોમન એન્ટ્રન્સ એક્સામ)ની પરીક્ષાનું આયોજન 30 જુલાઈએ કરવામાં આવશે.
ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા વિજ્ઞાન પ્રવાહના વિષયોમાં પ્રવેશ આપવા માટે યોજવામાં આવે છે. 31 માર્ચે, 2020માં લેવાનારી ગુજકેટની પરીક્ષામાં કુલ 1,25,781 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ કોરોના વાઈરસના સંક્રમણને લીધે આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે આગામી 30, જુલાઈ 2020ના રોજ યોજવામાં આવશે.
આમ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરથી વિદ્યાર્થીઓના હિતમાં એક પરિપત્ર જાહેર કરીને ગુજકેટ-20ની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયારી કરવા પુરતો સમય મળી રહે.