અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષ દરમિયાન ધોરણ 12 અને ધોરણ 10 નું પરિણામ ગત પાંચ વર્ષની સરખામણીએ ઓછું આવ્યું હતું. જેનું કારણ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ડમી સ્કૂલો ચાલી રહી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જેના પગલે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક દ્વારા રાજ્યમાં ચાલતી ડમીસ્કૂલોની માહિતી મંગાવવામાં આવી છે. તપાસ કર્યાના અહેવાલ 7 દિવસ સુધીમા મોકલવાની સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ ગેરહાજર: અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જાહેર કરેલા પરિપત્ર મુજબ અમદાવાદ શહેર કે તેના કાર્યક્ષેત્રમાં આવતી સરકારી ખાનગી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યના કલાકો દરમિયાન વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાની ઘટના સામે આવી છે. જેના પગલે જિલ્લા શિક્ષણની તાબા હેઠળ આવતી શાળામાં આકસ્મિક તપાસ તેમજ બાકી શાળાઓમાં તબક્કામાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં જિલ્લાકક્ષાએ ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ પણ ડમી શાળાઓ ચાલતી હોય તેની વિગતો સાથે માહિતી મોકલવામાં આવે જેમાં ખાસ કરીને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહની લઈને ખાસ સુચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન જો કોઈ શાળા ડમી જણાય તો તેના આધારભૂત પુરાવા સાથે 7 દિવસમાં મોકલી આપવાની સૂચના કરી છે.
વિપક્ષો દ્વારા આક્ષેપો: ચાલુ વર્ષ દરમિયાન ધોરણ 10 અને 12નું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઓછું જોવા મળ્યું હતું. બીજી બાજુ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં વધારો જોવા મળ્યો હતો. જેને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. વિપક્ષો દ્વારા પણ રાજ્યમાં ડમી શાળાઓ ચાલી રહી છે. તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા હતા. જેના પગલે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ચાલતી ડમી શાળાઓમાં તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.