DSIRના ઈન-હાઉસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ તરીકેની માન્યતા હાંસલ થતાં એક્યુપ્રેક રીસર્ચ લેબ DST, DBT, CSIR, ICMR, ICAR અને TDB સહિતની અનેક સરકારી સંસ્થાઓ પાસેથી રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનું ભંડોળ મેળવવા હક્કદાર બનશે. આ પ્રતિષ્ઠિત એક્રેડીટેશન મળતાં એક્યુપ્રેક નવી દવાઓ, ટેક્નોલોજી, મેડિકલ ડિવાઈસ ડિવાઈસ સહિતની પ્રોડક્ટોના ટેસ્ટીંગથી માંડીને પ્રોસેસ, ડિઝાઈન, ક્વૉલિટી વગેરે બાબતોમાં ઈન-હાઉસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માન્ય ગણાશે.
આ માન્યતા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. એક્યુપ્રેક રીસર્ચ લેબને આ સાથે DSIRની માન્યતા ધરાવતી દેશભરની 1,900 કંપનીઓની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન હાંસલ થયું છે. તે યાદીમાં તાતા, પિરામલ હેલ્થકેર, સન ફાર્મા, મારૂતિ, ન્યુક્લિયસ સોફ્ટવેર, ઈન્ફોસીસ વગેરેનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક સંશોધનને અપાતી આ માન્યતા અમેરિકા, ચીન, યુરોપના દેશો જેવી હોવાથી તે હાંસલ કરનાર સંસ્થા કે કંપનીની ગ્લોબલ બ્રાન્ડ વેલ્યુમાં ઉમેરો થાય છે.
એક્યુપ્રેકનું રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એકમ અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે એકરની વિશાળ જગ્યામાં કાર્યરત છે. જેમાં રીસર્ચ કરવા અત્યાધુનિક ઉપકરણોથી સુસજ્જ લેબ ધરાવતી અલાયદો વિભાગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમને ફાળવવામાં આવેલો છે. તે વિભાગમાં એક્યુપ્રેકની નિષ્ણાંત ટીમ ઈનોવેટીવ પ્રોડક્ટો વિકસાવવા, ફોર્મ્યુલા ડેવલપ કરવાથી માંડીને સઘન રીસર્ચ કાર્યમાં સંકળાયેલી છે. ટીમમાં પી.એચ.ડી ધારકો ઉપરાંત ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ, ફાર્મકોલોજી, પ્રાણીશાસ્ત્ર, ક્વૉલિટી એસ્યોરન્સ, ક્વૉલિટી કંટ્રોલ અને એનાલિટીકલ ડેવપમેન્ટ સહિતના ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે.
આ બાબતે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં CROના ડિરેક્ટર (આરએન્ડડી) અને CEO ડૉ. મનિષ રાચ્છે જણાવ્યું હતું કે, DSIRની માન્યતા અમારા માટે ગૌરવપ્રદ બાબત છે. આંતરરાષ્ટ્રીય ક્વૉલિટી ધરાવતી ઈનોવેટીવ પ્રોડક્ટો અને ટેસ્ટીંગ સેવાઓ વિકસાવવાના અમારા દ્રઢ નિર્ધારને આ માન્યતા મારફતે સમર્થન મળ્યું છે. લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગ વડે અપાતી ગુણવત્તાસભર સેવાઓમાં સતત સુધારણા કરીને તેને બહેતર બનાવવાના ધ્યેયમાં આનાથી મદદ મળશે. ખાસ કરીને વિવિધ બીમારીઓની સારવાર માટે અવનવી દવાઓના સંશોધનો કરવાના સુસંગઠિત પ્રયાસોને વેગ મળશે.
આ અગાઉ એક્યુપ્રેકને ગુજરાત ઈનોવેશન સોસાયટીનો રાજ્યકક્ષાનો એવોર્ડ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે હાંસલ થઈ ચૂક્યો છે. તેના પછી CPHI ઈન્ડિયા ખાતે રાષ્ટ્રીય સ્તરના બે ઈન્ડિયા ફાર્મા એવોર્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તથા ઈનોવેશન માટે મળી ચૂક્યા છે.
કંપનીના ડિરેક્ટર અને ચીફ સાયન્ટીફિક ઑફિસર ડૉ. રીના ગોકાણીએ જણાવ્યું હતું કે, એક્યુપ્રેકનો એક પ્રોજેક્ટ પ્રસાર માધ્યમો માટે પણ ધ્યાનાકર્ષક બન્યો હતો. જે એક્યુલિપ્સ નામની અનોખી લિપસ્ટિકનો હતો. તે પ્રોડક્ટ ન્યુટ્રાકોસ્મેટીક્સ હોઈ દિવસમાં બે વખત હોઠ પર લગાવવાથી મહિલાઓને લોહતત્ત્વ, વિટામીન B12, ફોલિક એસિડ અને વિટામીન સી સહિતના પોષક દ્રવ્યો મળી રહે એવી વ્યવસ્થા હોય છે. મહિલાઓની તંદુરસ્તીના રક્ષણ માટે મિશન તરીકે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. એક્યુપ્રેક વિવિધ ખાનગી કંપનીઓ ઉપરાંત સરકારી વિભાગોના સહયોગમાં આવા અનેક પ્રોજેક્ટો માટે સંયુક્તપણે કામ કરવા ઉત્સુક છે.
એક્યુપ્રેકના ડિરેક્ટર અને ચીફ માર્કેટીંગ ઑફિસર મયુર કંડોરીયાએ જણાવ્યું હતું કે એક્યુપ્રેકની માળખાકીય સુવિધાઓ એવી રીતે વિકસાવવામાં આવી છે કે તેમાં હાલમાં દવાઓ, મેડિકલ ડિવાઈસ અને હર્બલ ફોરમ્યુલેશનના સંશોધનો તથા ટેસ્ટીંગ માટે સુસજ્જ છે. એક્યુપ્રેક આસપાસ ફાર્માસ્યુટીકલ કંપનીઓના 20થી વધુ એકમો છે. તેની સામે જ ફાર્મેઝ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન છે. તે ઉપરાંત અન્ય ફાર્મા ઔદ્યોગિક એકમોના જૂથો-ક્લસ્ટર એક્યુપ્રેકની આસપાસ સ્થાપાશે.
અમારો હેતુ તેઓને ગુણવત્તાસભર અને આંતરરાષ્ટ્રીય દરજ્જાની સેવા પૂરી પાડવાનો છે. અમે પ્રામાણિકતા અને પારદર્શિતા, આત્મવિશ્વાસ અને વચનપાલન, જવાબદારી અને સશક્તિકરણ તથા સર્જનશીલતા અને ઈનોવેશનમાં માનીએ છીએ. હવે DSIRની માન્યતા મળી જતાં આગામી વર્ષોમાં એક્યુપ્રેક સંશોધનના નવા શિખરો સર કરશે, એવો અમને વિશ્વાસ છે.