અમદાવાદ : શહેરમાં ચાલુ વર્ષ દરમ્યાન ગુજરાતનું હવામાન અનિયમિત રહેતા ભરઉનાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લીધે સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી થઈ જતાં રતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ત્યાં હવે સામા છેડાનું વાતાવરણ બની રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી : અમદાવાદ સ્થિત મોસમ વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે. જેને પગલે હવે ખેડૂતોને કમોસમી વરસાદમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો વધશે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો |
રેડ એલર્ટ ડે : અમદાવાદમાં આગામી બે દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 10 અને 12 મે ના રોજ ગરમી વધવાની શક્યતાને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર માવઠા બાદ હવે તાપમાનનો પારો ધીમે ધીમે વધી શકવાની સંભાવના છે. અને સમગ્ર ગુજરાતવાસીઓને હવે ગરમીમાં શેકાવા તૈયાર રહેવાનું છે.
અમદાવાદમાં યલો એલર્ટ : ગરમીનો પારો ઊંચકવાનો છે ત્યારે હિટ એક્શન પ્લાન તરીકે અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આજે અને કાલે એમ કુલ બે દિવસમાં અમદાવાદવાસીઓને ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે. અમદાવાદમાં 10 અને 12 મેના રોજ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
5 દિવસ તાપમાન ઊચું રહેશે : વામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ત્યારે હવે અમદાવાદમાં કાળઝાળ ગરમીનો લોકોએ સામનો કરવો પડશે.જો કે અહી વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થઈ ત્યારે એપ્રિલ માસની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, જેના લીધે વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી. પરંતુ હવે કમોસમી વરસાદથી લોકોએ રાહત તો મેળવી છે, પણ હવે ગરમી દિવસે દિવસે વધી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ : ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉનાળાની શરૂઆતથી જ ચોમાસા જેવી પરિસ્થિતિનુ નિર્માણ થયું હતું, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થઈ જતાં વાતાવરણના ઉપરના લેવલે હાઈપ્રેશર સીસ્ટમ સર્જાવાને લીધે આકરી ગરમીનો પ્રકોપ ગુજરાતભરમાં જોવા મળશે. જે અનુસંધાને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન અધિકારી શું કહે છે : હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં કમોસમી વરસાદનું સંકટ આગામી 5 દિવસ સુધી જોવા નહીં મળે. સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો સાથે સાથે 3 ડિગ્રી સુધી તાપમાન વધવાની આગાહી પણ કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી 5 દિવસમાં અમદાવાદમાં 42 ડિગ્રી ઉપર તાપમાન જવાની સંભાવનાઓ છે.
મોચા વાવાઝોડાની અસર નહીં થાય : બીજી તરફ મોચા વાવાઝોડાને લીધે થનારી અસર વિશે મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ તેની અસર પશ્ચિમ બંગાળ પર છે અને વાવાઝોડાની અસરને લીધે બે-ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. જોકે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ગરમી કરતાં આપણું સામાન્ય તાપમાન નીચું જ રહ્યું છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે મે મહિનામાં ગુજરાતનું તાપમાન ઉંચું જતું જ હોય છે.પણ હાલના તબક્કે ગુજરાત પર મોચા વાવાઝોડાની કોઈ અસર જોવા નહીં મળે.